મેદસ્વિતામાંથી મુક્તિ માટે યોગ એક શ્રેષ્ઠ ઉપાય : યોગગુરૂ પ્રતાપચંદ્ર થાનકી.

જૂનાગઢ તા.૨૫ : આધુનિક જીવનશૈલી અને શારીરિક સક્રિયતાના અભાવને કારણે મેદસ્વિતા હવે વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની ગઈ છે. એવા સમયમાં યોગ એ શ્રેષ્ઠ ઉપાય તરીકે ઊભરી આવ્યો છે. યોગના માધ્યમથી રોગમુક્ત જીવન જીવવાની દિશામાં યોગગુરૂ પ્રતાપચંદ્ર થાનકી પોતાની જીવન યાત્રા દ્વારા ઉદાહરણરૂપ બન્યા છે.

જૂનાગઢના વતની અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ તરીકે સેવા આપતા પ્રતાપચંદ્ર થાનકી છેલ્લા ૬૦ વર્ષથી યોગનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ માત્ર ૧૫ વર્ષની ઉંમરે યોગ શરૂ કરીને આજ ૭૫ વર્ષની વયે પણ સંપૂર્ણ સ્વસ્થ અને એક્ટિવ જીવન જીવી રહ્યા છે. તેમનું માનવું છે કે ‘યોગ એ જ સાચો ડોક્ટર છે.’

તેમના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દરરોજ યોજાતી યોગ શિબિરમાં સંખ્યાબંધ નાગરિકો જોડાય છે. ખાસ કરીને રાજ્ય સરકારના “મેદસ્વિતા મુક્ત અભિયાન” અંતર્ગત આવી શિબિરમાંથી ઘણા નાગરિકોએ ૩૦થી ૪૦ કિલો સુધી વજન ઘટાડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

યોગગુરૂ થાનકીએ જણાવ્યુ હતું કે યોગના મુખ્ય અંગોમાં આસન, પ્રાણાયામ અને કસરતનો સમાવેશ થાય છે. આ યોગક્રિયાઓ શરીરમાં રહેલા ઝેરી તત્ત્વોને દૂર કરે છે. ખાસ કરીને મેદસ્વિતામાંથી મુક્ત થવા માટે કપાલભાતિ, પવનમુક્તાસન, વક્રાસન, ભદ્રાસન ખૂબ જ લાભદાયી હોવાનું તેમણે ઉલ્લેખ્યું.

તેમણે યોગને જીવનશૈલીમાં સ્થાન આપવાની અપીલ કરી હતી અને જણાવ્યું કે નિયમિત યોગના અભ્યાસથી કેવળ શારીરિક નહીં પણ માનસિક સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થાય છે. વિશેષરૂપે કસરતને તેમણે “અમૃત” ગણાવી, યોગને તમામ રોગો માટે એક માત્ર અસરકારક ઉપચાર ગણાવ્યો.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ