મેદસ્વિતામુક્ત ગુજરાત માટે યોગ દ્વારા જીવન બદલતી જૂનાગઢની સોનલબેન.

રાજ્ય સરકારના “મેદસ્વિતામુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત” અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના નાગરિકો યોગ અને આયુર્વેદિક ઉપચાર દ્વારા આત્મનિર્ભરતાની દિશાએ આગળ વધી રહ્યા છે.

આ અભિયાન હેઠળ આજે નોંધપાત્ર નામ બન્યું છે – સોનલબેનનું, જેમણે માત્ર ત્રણ મહિનામાં ૧૪ કિલો વજન ઘટાડીને તંદુરસ્ત જીવનશૈલી તરફ કાયાપલટ કર્યો છે. ખાસ વાત એ છે કે હવે તેઓ યોગા ટ્રેનર તરીકે અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બન્યા છે.

સોનલબેન છેલ્લા ત્રણ મહિનાથી નિયમિત યોગ, ઉપવાસ અને ડાયેટિંગના માધ્યમથી પોતાનું વજન ઘટાડ્યું છે. તેમના ડાયેટમાં મિક્સ કઠોળનું સલાડ, મિલેટસના રોટલા અને ઊર્જાદાયક ખોરાકનો સમાવેશ થાય છે. ઉપરાંત નિર્જળા એકાદશી અને નવરાત્રીમાં ઉપવાસને જીવનશૈલીનો ભાગ બનાવી તેઓએ આત્માનુશાસન સ્થાપ્યું છે.

તેઓએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત યોગ નિરીક્ષક તરીકે તાલીમ મેળવી છે. તાલીમ આપનાર તરીકે નર્મદાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેઓએ યોગાના તમામ પાસાંઓનો અભ્યાસ કર્યો. આજે તેઓ મધુરમ વિસ્તારમાં દરરોજ ૪૫ થી ૫૦ મહિલાઓને યોગ તાલીમ આપે છે, અને રૂ. ૧૧,૦૦૦ જેટલી માસિક આવક મેળવી રહ્યા છે.

સોનલબેનનો અનુભવ દર્શાવે છે કે યોગ માત્ર શારીરિક ફિટનેસ માટે નહીં, પરંતુ આત્મનિર્ભર જીવન માટે પણ એક સશક્ત માર્ગ છે. માથાના દુઃખાવા, કમરના દુઃખાવા અને ગોઠણની સમસ્યામાં યોગથી તેમને નોંધપાત્ર રાહત મળી છે.

આજનું યુવા અને મધ્યમ વયના નાગરિકો માટે આ ઉદાહરણ સ્પષ્ટ સંદેશ આપે છે કે યોગ અને યોગ્ય જીવનશૈલી અપનાવવાથી માત્ર શરીર નહીં પરંતુ જીવન પણ બદલાઈ શકે છે.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ