મોરબીના હરબટીયાળી ગામમાં રાસાયણિક ખેતીથી જમીન નિર્જીવ બની ગઇ હતી પ્રાકૃતિક ખેતીએ પુનઃપ્રાણ પૂર્યા:

મોરબી

રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. જેના કારણે ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ખેતીની આવક વધતા ખેડૂતો સમૃદ્ધ બની રહ્યાં છે. ત્યારે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના ખેડૂત પહેલા રાસાયણિક ખેતી કરતા હતા, હવે પ્રાકૃતિક ખેતી કરે છે. તેમનાં શબ્દોમાં સાંભળો ફાયદાની વાત….

હરબટીયાળી ગામના ખેડૂત કાંતિભાઈ સંઘાણીએ પ્રાકૃતિક ખેતીથી થયેલા લાભો વિશે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, પહેલા અમે રાસાયણિક ખેતી કરતા હતા. વર્ષો પહેલા અમે મગફળી, જુવાર, કપાસ,એરંડા વગેરે પાકોનું ઉત્પાદન કરતા હતા.પણ રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવાથી ઉત્પાદન ખર્ચ વધતો ગયો અને જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ તેથી ઉત્પાદનમાં પણ ઘટાડો થયો આવા સમયમાં અમે ઉત્પાદન ખર્ચ ઘટાડવાનું અને જમીનને ફળદ્રુપ બનાવવાનું વિચાર્યું અને છેવટે અમે ગાય લીધી અને સજીવ ખેતી કરવાનું વિચાર્યું.

ત્યારબાદ તેમાં પણ જરૂરીયાત મુજબ રાસાયણિક ખાતર, બજારમાંથી ઓર્ગેનિક દવા અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા થયા છતાં પણ ખર્ચમાં ઘટાડો થયો નહી. ત્યારબાદ મેં પાંચ વર્ષ પહેલા હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો અને આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાતા જિલ્લા બહાર પ્રવાસ, કૃષિ મેળા, જિલ્લા અંદર તાલીમ પ્રવાસ વગેરેમાં ભાગ લીધો અને ત્યાં પ્રગતિશીલ ખેડૂતના ફાર્મની મુલાકાત અને માહિતી લીધી અને જુદી જુદી જગ્યાએ ગાય આધારીત ખેતીની તાલીમમાં ભાગ લીધો હતો. અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું. ઉપરાંત પ્રાકૃતિક ખેતી અંગેની સાત દિવસની વડતાલ ખાતે તાલીમ લઈને માહિતી મેળવી હતી.

શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યું ત્યાર બાદ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. પ્રાકૃતિક મગફળી, કપાસ, જીરું પાકનું વાવેતર શરૂઆત કરી અને પરીણામે રાસાયણિક પાક કરતા પ્રાકૃતિક પાકમાં ખર્ચ ઘટવા લાગ્યો. હાલમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, ખાટી છાસ, આકડો, દશપર્ણી અર્ક વગેરેનો ઉપયોગ કરવાથી જમીન પોચી, ભરભરી અને ફળદ્રુપ બનતી ગઈ અને ઉત્પાદન વધવા લાગ્યું અને જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વીજળી ખર્ચમાં પણ બચત થઇ. અમારે પ્રાકૃતિક ખેતી હેઠળ ગત સીઝનમાં પાંચ વીઘા જમીનમાં મગફળીનું ૧૩૦ મણ તેમજ જીરુંનું ૪૨ મણ ઉત્પાદન થયું છે. આમ, પ્રાકૃતિક કૃષિ કરવાથી ખર્ચ ઘટવા લાગ્યો અને આવકમાં વધારો થવા લાગ્યો. અને જમીનની ફળદ્રુપતા વધારો થયો છે. અને જમીન પહેલા હતી એવી સજીવ થવા લાગી છે

અહેવાલ :- કિરીટ પટેલ (મોરબી)