મોરબીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટાડવા પ્રાકૃતિક કૃષિ એક માત્ર ઉપાય.

મોરબી

પ્રાકૃતિક કૃષિ એ જમીનના સ્વાસ્થ્ય માટે કરવામાં આવી રહેલોએક સામૂહિક પ્રયાસ છે. પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ (ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા ખેડૂત જાતે જ પોતાની રીતે બનાવી શકે છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્થંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને જંતુનાશક અસ્ત્રોનો સમાવેશ થાય છે.

પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂતોએ સૌ પ્રથમ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. ત્યારબાદ દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરેલા જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્થંભ મુજબ ખેતી કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે.

પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્થંભમાંનો એક સ્થંભ છે જીવામૃત. જીવામૃત કોઇપણ વૃક્ષ કે વનસ્પતિને આપવા માટેનો ખોરાક નથી. તે તો એક અસંખ્ય જીવાણુઓનો વિશાળ ભંડાર છે. જીવામૃતઆપવા થીજમીનમાં સુક્ષ્મ જીવાણુનીસંખ્યા માં ઝડપથી વધારો થાય છે અને ભેજનું નિર્માણ ઝડપી બને છે. તેમજ તે સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. આનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને નાઈટ્રોજનની ઉપલબ્ધિ વધે છે.

જીવામૃત તૈયાર કરવાની રીત :

ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરતા સમયે રાસાયણિક ખાતરને બદલે જીવામૃત વાપરવું જોઈએ. આ જીવામૃત તૈયાર કરવા માટે ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૧૦ કિ.ગ્રા દેશી ગાયનું તાજું છાણ, + ૧ મુઠી ઝાડ નીચે પડેલા શેઢા પાળા વાડની માટી + ૧ કિ.ગ્રા દેશી ગોળ + ૧ કિ.ગ્રા ચણા કે કોઈ પણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને ૨૦૦ લીટર પાણીના ડ્રમમાં નાખી અને મિશ્રણ મિક્ષ કરવું. ત્યારબાદ ડ્રમને કંતાનના કોથળાથી ઢાંકવું અને છાંયડે રાખવું અને લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ ૦૫-૦૫ મિનિટ સુધી હલાવવું. ઉનાળામાં બે-ત્રણ દિવસમાં અને શિયાળામાં એક અઠવાડિયામાં આવી રીતે જીવામૃત બની જશે. જીવામૃત તૈયાર થયા પછી ૧૫ દિવસ તેનો ઉપયોગ કરી શકાય છે.

વાપરવાની રીત :

આ જીવામૃતને એક એકર માટે ૨૦૦ લીટર ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર તેનો છંટકાવ કરવો.

ઘન જીવામૃત તૈયાર કરવાની રીત :

૨૦૦ કિ.ગ્રા સખત તાપમાં સૂકવેલ, ચાળણીથી ચાળેલા દેશ ગાયના છાણના પાવડરને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ત્યારબાદ ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી અને ત્યારબાદ પાતળું સ્તર કરી સૂકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું. સૂકાઈ જાય ત્યારબાદ તેના ગાંગડાનો ભૂક્કો કરી એક વર્ષ સુધી તે વાપરી શકાય છે.

વાપરવાની રીત :

ઘન જીવામૃત જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિ.ગ્રા અને કુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા આપવું. ગુજરાતની રાજ્યની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક સલ્ફર, વગેરે પોષક તત્વોની મોટી ઉણપ હોવાથી કોઈ પણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં પ્રકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરાયેલ જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વોની ઉપલબ્ધિ વધે છે.

પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ભેજ સંગ્રહની ક્ષમતા વધે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. પાણી બચત સાથે પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે.

અહેવાલ: – કીરીટ પટેલ (મોરબી)