રબારીકા ગામે માઇનિંગ અને ક્વોરી ઉદ્યોગ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, આત્મવિલોપનની ચીમકી સાથે ગામ સજ્જડ બંધ

સિહોર તાલુકાના રબારીકા ગામે તાજેતરમાં સરકારી પડતર જમીનમાં માઇનિંગ અને ક્વોરી (ભડીયા) ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે. જોકે, આ નિર્ણય સામે ગામના ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ સર્જાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ ઉદ્યોગથી ખેતપ્રધાન ગામની જમીન બબળાઈ જશે, પર્યાવરણમાં ભારે પ્રદૂષણ ફેલાશે અને પરંપરાગત ખેતી વ્યવસ્થા માટે મોટી મુશ્કેલી ઉભી થશે. રોષે ભરાયેલા લોકો ગામમાં સજ્જડ બંધ પાલન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આ ઉદ્યોગને કોઈ પણ હાલતમાં ગામમાં સ્થાપિત ન થવા દેવા માટે ચળવળ શરૂ કરી છે.

જમીન નં. 79/01 જે સરકારી પડતર ખરાબાની જમીન છે, ત્યાં આઠ બ્લેક ટ્રેપ માઇનિંગ બ્લોક ફાળવાયા છે. હાલમાં જ ક્વોરી ઉદ્યોગ માટે ગતિવિધિ શરૂ થતા જ રબારીકા ગામના ખેડૂતોએ એકતાથી અવાજ ઉઠાવ્યો છે. ખેડૂતોના કહેવા મુજબ ઉદ્યોગ શરૂ થાય તો ખેતી નુકશાનમાં જશે, પાણીની કમી સર્જાશે અને પશુપાલન તેમજ વન્યજીવો માટે ખતરો ઉભો થશે. તેમણે જણાવ્યું કે જો સરકાર દ્વારા આ ઉદ્યોગ પાછો ન ખેંચવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉઠાવશે.

આ મુદ્દે સ્થાનિક આગેવાનો માવજીભાઈ સરવૈયા, અશોકભાઈ મામસી, ઘનશ્યામભાઈ મોરી સહિત ઘણા લોકોએ સરકારને માંગ કરી છે કે આ ઉદ્યોગ કોઈ અન્ય જગ્યા પર સ્થાનાંતરિત કરવામાં આવે. ખેડૂતો તરફથી મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, તેમજ ખાણ-ખનીજ વિભાગના સચિવ અને જિલ્લા કલેકટરને અનેક વખત લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી એ.જે. રાઠોડે જણાવ્યું કે ગામમાંથી 500થી વધુ લેખિત અરજીઓ આવી છે અને કુલ 37 વ્યક્તિઓએ સ્પષ્ટરૂપે આ ઉદ્યોગનો વિરોધ નોંધાવ્યો છે. તમામ રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને તેનો નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે.

અહેવાલ : સતાર મેતર, સિહોર