સુરત :
મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતના દરેક વિસ્તારમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરી 10 આરોપીઓને ઝડપી લેનાર સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના વધુ એક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.સુરતના રાંદેર, ભેસ્તાન અને વરાછામાંથી 136.02 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા છે.રાંદેરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવાનને ડ્રગ્સ આપનાર લબરમુછીયાને પણ કાદરશાની નાળમાંથી ઝડપી પાડી રૂ.15.23 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.
મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગતરોજ રાંદેર રોડ ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટીયા તરફ જતા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની સામેથી પત્ની સાથે બર્ગમેન મોપેડ પર જતા અફશરઅલી અશરફઅલી સૈયદને ઝડપી પાડી તેની પાસેથી રૂ.2,53,700 ની મત્તાનું 25.370 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ કબજે કર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે તેના ગોરાટ કોઝવે રોડ સુકુન એપાર્ટમેન્ટ સ્થિત ઘરમાં પણ જડતી લેતા ત્યાંથી પણ વધુ રૂ.73,900 ની મત્તાનું 7.390 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી 32.760 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ ઉપરાંત બર્ગમેન મોપેડ, 100 જેટલી પ્લાસ્ટીકની થેલી વિગેરે મળી કુલ રૂ.3,86,500 નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા એમ.ડી.ડ્રગ્સનો જથ્થો તેને કાદરશાની નાળ ખાતે રહેતા અયાને આપ્યાની કબૂલાત કરતા ક્રાઈમ બ્રાન્ચે આ અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી અયાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)