જુનાગઢ શહેરમાં રાખડીના પવિત્ર તહેવારના અવસર પર ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી. ભાઈ-બહેનના સ્નેહ અને સબંધના આ તહેવાર સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ જોડવા માટે આજે મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડોમાં રાખડીના સ્ટોલ પર મફતમાં વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમની આયોજનની જવાબદારી કાર્યક્રમ ઇન્ચાર્જ ભરતભાઈ બાલસ અને સહ-ઇન્ચાર્જ કેવિનભાઈ અકબરીએ સંભાળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સજાવટ કરાયેલા રાખડીના સ્ટોલો પર કોર્પોરેટરો, યુવા મોરચાના યુવાનો, બહેનો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને બહેનોને રોપા ભેટ આપી, સાથે સાથે વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું.
વિતરણ દરમિયાન બહેનોને સમજાવવામાં આવ્યું કે રાખડી જ્યાં ભાઈના કલ્યાણ અને દીર્ઘાયુષ્ય માટે બાંધવામાં આવે છે, ત્યાં પર્યાવરણનું કલ્યાણ પણ એટલું જ અગત્યનું છે. એક વૃક્ષ રોપવું એ ભવિષ્ય માટેનો જીવંત આશીર્વાદ છે. રોપા સાથે તેમને તેનું જતન કેવી રીતે કરવું, નિયમિત પાણી આપવું અને પ્રકૃતિ સાથેનો સબંધ મજબૂત કરવો તેની માહિતી પણ આપવામાં આવી.
આ પ્રસંગે સંજય પંડ્યાએ જણાવ્યું કે, “ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના તહેવારને પર્યાવરણના રક્ષણ સાથે જોડવું એ આપણા સમાજ માટે એક નવી અને સકારાત્મક દિશા છે. આ રોપાઓ માત્ર એક દિવસ માટેની ભેટ નથી, પરંતુ આવનારા વર્ષો સુધી જીવન આપનાર પ્રકૃતિની ભેટ છે.”
આ પહેલને લઈને સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો અને સૌએ મળીને વૃક્ષારોપણને જીવનનો એક અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ કર્યો.
📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ