
રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે તેમના જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના બરડીયા ગામની મુલાકાત લીધી હતી. તેઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી ગામના વિકાસ અને શાસન સંબંધિત પ્રશ્નોની જાતે સમીક્ષા કરી હતી.
મંત્રીએ ગામના આગેવાનો અને સ્થાનિક રહીશો સાથે એક ફળદાયી સંવાદ યોજી ગ્રામજનોના પ્રશ્નો સાંભળી યોગ્ય નિવારણ માટે તાત્કાલિક સૂચનો આપ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર village-centric governance પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામજનોને વાસ્તવિક લાભ મળે એ માટે કટિબદ્ધ છે.“
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, તેમજ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પોતાના મંતવ્યો રજૂ કરી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા.
મંત્રીએ ગ્રામજનોને આશ્વસ્ત કર્યા કે સરકાર લોકોને મળતા પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે સક્રિય છે અને આગામી દિવસોમાં વિસાવદર સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વિકાસની વધુ ગતિ અપાશે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ