જૂનાગઢ
રાજ્યના કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે માણાવદર તાલુકા પંચાયત ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લાના ઘેડ વિસ્તારમાં થયેલા ભારે વરસાદના પગલે સર્જાયેલા પ્રશ્નો વિશેનો ચિત્તાર પણ મંત્રીશ્રીએ મેળવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, મદદનીશ કલેક્ટર શ્રી ઐશ્વર્યા દુબે સહિતના પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં મંત્રીશ્રીએ માણાવદર તાલુકામાં અતિભારે વરસાદથી થયેલ નુકસાન અને સમસ્યાઓ અંગે રજૂઆતો સાંભળી હતી.
આ સંદર્ભે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યુ કે, સંપર્ક વિહોણાં રહેતા ગામડાઓમાં વાહન વ્યવહાર વહેલી તકે શરુ થાય તે માટે પ્રાથમિકતા આપી ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના વર્ષો જૂના પ્રશ્નના નિરાકરણ માટે રાજ્ય સરકાર કૃત્તનિશ્ચયી છે. આ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ પણ તાત્કાલિક સર્વે કરી એક યોજના બનાવવા માટે સૂચના આપી છે. જેથી આ પ્રશ્નનો કાયમી ધોરણે હલ લાવી શકાય. ઘેડ વિસ્તારના આ પ્રશ્ન સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ, ૯ થી ૧૪ બાળકોમાં ફેલાતા ચાંદીપુરા વાયરસ વિશે સ્થાનિક અગ્રણીઓને સચેત કરી કાળજી લેવા અનુરોધ કર્યો હતો. ખાસ કરીને તેમણે કાચા માટીના ઘરોમાં વિશેષ કાળજી લેવા માટે પણ જણાવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની “એક પેડ મા કે નામ” પહેલને આવકારી આ વરસાદી માહોલમાં અચૂક વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.
માણાવદર વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીએ, ઘેડ વિસ્તારમાં થયેલા વ્યાપક વરસાદના પગલે થયેલ સ્થિતિથી અવગત કરતા ભારે વરસાદથી પાક નિષ્ફળ, ખેડૂતના ખેતરમાં ધોવાણ, આરોગ્ય સહિતના મુદ્દે રજૂઆત કરી હતી અને આ વિસ્તાર માટે વિશેષ આર્થિક સહાય કરવા માટે રજૂઆત કરી હતી.
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ રજૂ થયેલા પ્રશ્નો સંદર્ભે જરુરી સ્થળ ખરાઈ કર્યા યોગ્ય નિરાકરણ કરવામાં આવશે, તેમ જણાવ્યુ હતુ.
બેઠકના પ્રારંભે વંથલી- માણાવદરના પ્રાંત અધિકારી શ્રી કનકસિંહ ગોહિલે કહ્યુ કે, અતિ ભારે વરસાદથી ૨૦ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને ૧૩૬૪ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં આ સ્થળાંતરિત લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે સાફ સફાઈ ઝુંબેશ સ્વરુપે શરુ કરવામાં આવી છે. તેમજ ૧૦૦થી વધુ ટીમ દ્વારા પાક ધોવાણ નુકસાનીનો સર્વે શરુ કરી દેવામાં આવ્યો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતીન સાંગવાન, આસિસ્ટન્ટ કલેકટર શ્રી ઐશ્વર્યા દુબે, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયા, અગ્રણી શ્રી વજુભાઈ ઝાલાવાડીયા, તાલુકા પંચાયતના હોદ્દેદારોશ્રીઓ – સદસ્યશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)