રાજ્યની ૧૫ સરકારી યુનિ. સંલગ્ન કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ હેતુ GCAS પોર્ટલ પર નવી અરજી કરી શકાશે.

ગુજરાત

ગુજરાતની ૧૫ સરકારી યુનિ. સંલગ્ન કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસુત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો આરંભ થઇ શકે તે માટે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલનો પ્રારંભ કરવામાં આવેલ છે.

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે GCAS પોર્ટલ અંતર્ગત વિદ્યાર્થીઓની રજૂઆતો ને ધ્યાને રાખતા ઉચ્ચ કક્ષાએ ગુજરાતની ૧૫ યુનિવર્સિટીના કુલપતિઓની બેઠકમાં સર્વસંમતિથી કેટલાક નિર્ણયો લેવામાં આવેલ છે. જેનું અમલીકરણ સંબંધકર્તા યુનિવર્સિટીઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. અનુસ્નાતક કક્ષા માટે ૩ જૂલાઇ સુધી તેમજ સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે તા. ૪/૭/૨૦૨૪ થી ૬/૭/૨૦૨૪ સુધી નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે, તેમની અરજી સુધારવા GCAS પોર્ટલ ઓપન કરવામાં આવ્યુ છે. ત્યારબાદ તમામ યુનિવર્સિટીઓએ પોતાની રીતે સમયપત્રક જાહેર કરી ટેકનીકલ બાબતો માટે જીઆઇપીએલ સાથે સંકલનમાં રહીને પ્રવેશ ઓફર અને એલોટમેન્ટની કામગીરી હાથ ધરશે.

જે અંતર્ગત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માં નવા સમય પત્રક અનુસાર અનુસ્નાતક પ્રોગ્રામ માટે પ્રથમ યાદી તા. ૪ જૂલાઇ ના રોજ પ્રસિદ્ધ થશે જ્યારે સ્નાતક પ્રોગ્રામ માટે પ્રથમ યાદી તા. ૬ જુલાઈના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે, આમ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા તારીખ ૧૫ જૂલાઈ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

GCAS પોર્ટલ મારફત કોલેજ યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઈલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલ વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કે કોલેજ ટેકનીકલ બાબતો માટે જીઆઇપીએલ સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજની કક્ષાએ ફેરફાર કરી શકશે. તેમ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ : ગુજરાત બ્યુરો