રાજ્યમાં સમય પહેલા જ પુષ્કળ વાવેતર થતા ખાતરનું વ્યવસ્થિત વિતરણ શરૂ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ.

ગુજરાતમાં વરસેલા સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખરીફ પાકોની વાવણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, રાજ્યમાં ખરીફ પાકોની 61 ટકા જેટલી વાવણી સમય કરતાં વહેલી પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ ખેડૂતોને ખેતી માટે જરૂરી ખાતર સમયસર, પૂરતું અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં હાથ ધરી છે.

કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યુ કે, ભારત સરકાર દ્વારા યુરીયા, ડીએપી તથા એનપીએકે જેવા ખાતરો પર સબસિડી આપી ખાતરનો પુરતો જથ્થો રાજ્યને ફાળવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે તે જથ્થાનું સપ્લાય પ્લાન પ્રમાણે જિલ્લામાં અને તાલુકામાં વિતરણ સુનિશ્ચિત કર્યું છે.

ખાતર વિતરણની કામગીરીની રાજ્ય કક્ષાએથી કૃષિ મંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ખેડૂતને ખાતર માટે તકલીફ ન પડે અને તેને જરૂરી પ્રમાણમાં ખાતર સરળતાથી મળી રહે તે માટે સમર્પિત પ્રયાસો થઈ રહ્યા છે.

ખાતરની કાળાબજારી અટકાવવા માટે પણ સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. રાજ્યમાં ક્યાંય વધુ ભાવે વેચાણ, સંગ્રહખોરી કે જથ્થાબંધ ખરીદી ન થાય તે માટે કડક નિયમો અમલમાં છે. વધુમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે જ્યાં ખેડૂત પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

કૃષિ મંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો કે મગફળી પાક માટે યુરિયાનું વધુ પ્રમાણમાં ઉપયોગ ન કરવો જોઈએ. ઉપરાંત, ડાંગરમાં નાઈટ્રોજનયુક્ત ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે, જેથી ઉપજમાં ગુણવત્તા અને ઉત્પાદન બંને સુનિશ્ચિત થઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખાતર વિતરણ વ્યવસ્થા આ વર્ષે સમયસર શરૂ થતા ખેડૂત સમુદાયમાં સંતોષ છે અને ખેડૂતો સરકારની માર્ગદર્શિકા અનુસાર ખેતપાળ રાખે તેવી અપેક્ષા છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ