જૂનાગઢ, તા.૨૯ – ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની આરોગ્ય સુરક્ષા માટે લેવામાં આવેલી ક્રાંતિકારી પહેલ ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’ ફળદાયી સાબિત થઈ રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર માત્ર જુલાઈ-૨૦૨૫ એક જ મહિનામાં આ કેન્દ્ર દ્વારા કુલ ૩.૭૬ લાખથી વધુ કોલ્સનો નિપટારો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્રની શરૂઆત કરી હતી. આ કેન્દ્રમાં ૧૦૦થી વધુ કોલટેકર્સ, આધુનિક તંત્ર અને ડેટા આધારિત મોનિટરિંગથી રાજયની આરોગ્યલક્ષી યોજનાઓનું મૂલ્યાંકન અને લાભાર્થીઓથી પ્રતિસાદ મેળવવાનો કાર્ય પદ્ધતિશીલ બન્યો છે.
જુલાઈ-૨૦૨૫ના આંકડા મુજબ:
૧૦૪ હેલ્પલાઈન: ૧૨,૮૦૦થી વધુ કોલ્સ
PMJAY હેલ્પલાઈન: ૪,૦૦૦થી વધુ કોલ્સ
PMJAY લાભાર્થી પ્રતિસાદ કોલિંગ: ૯૯,૦૦૦થી વધુ કોલ્સ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (RMNCAH+N): ૨ લાખથી વધુ કોલ્સ
આરોગ્ય સમીક્ષા કેન્દ્ર સુધીના અન્ય કોલ્સ: ૫૮,૦૦૦થી વધુ
આ સિવાય, ફોકસ વિસ્તાર મુજબ થયેલા કોલ્સની વિગતો પણ નોંધપાત્ર છે:
સગર્ભા માતાઓના આરોગ્ય માટે: ૧૪,૦૦૦+ કોલ્સ
બાળ આરોગ્ય માટે: ૧૩,૯૦૦+ કોલ્સ
ટી.બી. દર્દીઓ માટે: ૧૧,૯૦૦+ કોલ્સ
રસીકરણ માટે: ૫,૦૦૦+ કોલ્સ
સિકલસેલ માટે: ૬,૫૦૦+ કોલ્સ
શાળા આરોગ્ય કાર્યક્રમ માટે: ૬,૫૦૦+ કોલ્સ
વાહકજન્ય રોગ નિયંત્રણ માટે: ૨૪૫ કોલ્સ
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, PMJAY કાર્ડ હેઠળ સારવાર લીધેલા દર્દીઓના પ્રતિસાદ માટે ૯૯,૦૦૦થી વધુ કોલ્સ કરીને તેમને સેવાઓની ગુણવત્તા અંગે પુષ્ટિ મેળવી હતી.
આ કેન્દ્રની સફળતાને અનુસંધાનમાં, તારીખ ૧૬ જુલાઈએ વર્લ્ડ બેંકની ટીમે, જ્યારે ૨૪ જુલાઈએ મહારાષ્ટ્ર સરકારની આરોગ્ય ટીમે કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ગુજરાતની પહેલને પ્રેરણાદાયી ગણાવી હતી.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “આ કેન્દ્ર માત્ર એક મોનિટરિંગ સિસ્ટમ નહીં, પણ નાગરિકોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્યસેવા આપવાનો સંકલિત પ્રયાસ છે. રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે માનદંડ ઊભા કરવા માટે પ્રતિબદ્ધ છે.”
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ