પોરબંદર, તા.૨૪:”સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે બી ઠક્કરના અધ્યક્ષ સ્થાને રાણાવાવ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી રાણાવાવ ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નાગરિકોના પ્રશ્નોને સાંભળ્યા હતા અને તેમનું નિયમો અનુસાર સમય મર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબંધિત અધિકારીઓને લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટેની સુદ્રઢ વ્યવસ્થા ગ્રામ્ય સ્તરનાં પ્રશ્નોનુ ગ્રામ્ય ‘સ્વાગત’માં નિરાકરણ કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. અને રાણાવાવ તાલુકાનાં વિકાસના કાર્યો અંગે માહિતી મેળવી અને રાણાવાવ તાલુકાના ગ્રામ્ય સ્તરનો વિકાસ થાય તે દિશામાં કાર્યો કરવાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રસ્તાનું દબાણ ,જર્જરીત મકાન, રેશનકાર્ડમાં નામ કમી કરાવવું,નામ ઉમેરો કરવો અને વિધવા સહાય યોજનાનાં પ્રશ્નો અરજદારોએ રજૂ કર્યા હતા.
આ તકે રાણાવાવ મામલતદાર શ્રી જે બી ડાભી,,રાણાવાવ તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેષભાઈ પરમાર અને સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)