‘રામાયણ સત કોટિ અપારા ગ્રંથનું પૂ. મોરારિ બાપુના હસ્તે વિમોચન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને લોક સાંસ્કૃતિક વિષયક પ્રકાશનોની એક આગવી પરંપરા છે. આ પ્રવૃત્તિ અંતર્ગતતા.૨૬-૧૧-૨૦૨૪ ને મંગળવાર ના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ, રાજકોટ ખાતે વિશ્વ વિખ્યાત કથાકાર પૂ.મોરારી બાપુ ના વરદહસ્તે જૂનાગઢની જાણીતી સંસ્થા ડૉ.સુભાષ મહિલા કૉલેજના સાહિત્ય મર્મજ્ઞ આચાર્યશ્રી બલરામ ચાવડા અને અન્ય વિદ્વાનો પ્રો.જે.એમ. ચંદ્રવાડીયા, પ્રો.રાજેશ મકવાણા અને પ્રો.ભરત પંડ્યા સંપાદિત ગ્રંથ ‘રામાયણ સત કોટિ અપારા’ નું વિવેચન કરવામાં આવ્યું હતું.

રામનું ચરિત્ર એ માત્ર સનાતન હિન્દુ પરંપરામાં જ નહીં પણ જૈન તથા બોદ્ધ ધર્મમાં પણ જોવા મળે છે.ભારત બહાર બર્મા, નેપાળ, તિબેટ, ઈન્ડોનેશિયા, થાયલેન્ડ વગેરે જેવા દેશોમાં વસતા લોકો વર્તમાન સમયમાં પણ રામના ચરિત્રને આદર આપે છે તેમજ રામ અને રામાયણને પોતાની સાંસ્કૃતિક ઓળખ ગણાવે છે. રામ માત્ર કોઈ ચોક્કસ ધર્મ, સમાજ પ્રદેશ કે દેશ સાથે જોડાયેલી ઓળખ નથી પરંતુ રામ વૈશ્વિક સ્નેહ, મર્યાદા તથા માનવતાના ઉચ્ચતમ આદર્શનું પ્રતીક છે.

આવા ભગવાન રામવિષયક અભ્યાસ પૂર્ણ સંશોધન લેખોને સમાવિષ્ઠ કરતો ગ્રંથ ‘રામાયણ સત કોટિ અપારા’ ગુજરાતી સંદર્ભે, ભારતીય સંદર્ભે વૈશ્વિક સંદર્ભે અને વિવિધ સંદર્ભે એમ કુલ ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે.પૂ.મોરારિ બાપુ,ભાગ્યેશ જહા, બળવંત જાની,રમાશંકર દુબે, ભગવાનદાસ પટેલ,નિરંજન રાજ્યગુરુ, જોરાવરસિંહ જાદવ આદિની સિદ્ધ હસ્ત લેખનીથી શોભતા આ ગ્રંથમાંથી પસાર થતાં ભગવાન રામની દિવ્ય ભવ્ય અને વૈશ્વિક ચેતના રૂપે છબી ઉપસી આવે છે.

આ ગ્રંથ વિમોચન પ્રસંગે પદ્મશ્રી ભીખુદાન ગઢવી,પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા, કુલપતિશ્રી કમલસિંહ ડોડીયા, શ્રી જયેન્દ્ર જાદવ,અંબાદાન રોહડિયા અને મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના સભ્યશ્રીઓ તેમજ સાહિત્ય પ્રેમીઓ બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહયાં હતાં.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)