રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં સાંસદ ધવલ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે 6 એપ્રિલથી 11 એપ્રિલ 2025 દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની ઐતિહાસિક વિદેશ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ યાત્રામાં વલસાડ-ડાંગના લોકસભા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલનો સમાવેશ ખાસ મહત્ત્વનો રહ્યો હતો.

ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૃઢ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે યુવા અને પ્રગટિશીલ સાંસદોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ આપવા માટે વિશેષ પ્રોત્સાહન આપ્યું છે. આ યાત્રામાં દેશમાંથી ફક્ત બે સાંસદોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાયનો સમાવેશ થયો હતો. યાત્રા દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયા સરકારોએ રાષ્ટ્રપતિજી અને પ્રતિનિધિમંડળનું ગાર્ડ ઓફ ઓનરથી ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ યાત્રા દરમિયાન બંને દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેમજ સંસદના અધ્યક્ષો સાથે શિષ્ટાચાર મુલાકાતો યોજાઈ. દ્વિપક્ષીય સંબંધો વધારે મજબૂત કરવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. રાજકીય સંબંધો સાથે સાથે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પણ નવી તકો ઉભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ વિચારવિમર્શ કરવામાં આવ્યો.

સાંસદ ધવલભાઈ પટેલે પોર્ટુગલ અને સ્લોવાકિયા સંસદ ભવનની મુલાકાત લીધી અને સ્થાનિક નેતાઓ સાથે પણ મંત્રણા કરી. તેમણે સ્લોવાકિયાની લેન્ડરોવર કંપનીની ફેક્ટરીની મુલાકાત લઈ ત્યાં કાર્યરત ભારતીય કર્મચારીઓની સ્થિતિ અંગે જાણવા પ્રયત્ન કર્યો. તદુપરાંત રાષ્ટ્રપતિજી અને પ્રતિનિધિમંડળે લીસબન મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સાથે શિષ્ટાચાર મુલાકાત કરી.

વિદેશ પ્રવાસ દરમિયાન સ્લોવાકિયામાં યોજાયેલા ગાલા ડિનર અને ભારતીય કોમ્યુનિટીની ભવ્ય મીટિંગમાં પણ સંસદશ્રીએ ભાગ લીધો. રાષ્ટ્રપતિના નેતૃત્વમાં યોજાયેલી ક્રુઝ યાત્રામાં તેમણે દેશના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી.

આ ઐતિહાસિક યાત્રાથી ભારતના પોર્ટુગલ અને સ્લોવાકિયા સાથેના સંબંધોમાં નવો મુકામ સ્થાપિત થયો છે. સાંસદ ધવલભાઈ પટેલના આ યાત્રાથી એમના મતવિસ્તારમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. વિદેશમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને તેમણે વલસાડ-ડાંગ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

અહેવાલ – વિશાલ પટેલ, વલસાડ