રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ના ઉપલક્ષમાં વેરાવળ ખાતે અવકાશ પ્રદર્શન યોજાયું – ઇસરોના વૈજ્ઞાનિકોએ મોડેલ અને પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા.

આગામી **૨૩ ઓગસ્ટે ઉજવાતા ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’**ને ધ્યાને લઈને અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (ઇસરો) દ્વારા વેરાવળ ખાતે વિશાળ અવકાશ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું સ્થળ વેરાવળ નગરપાલિકા કોમ્યુનિટી હોલ હતું, જ્યાં વેરાવળ તથા આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અવસરે ઇસરોના ગ્રુપ ડાયરેક્ટર અમિત ભટ્ટે જણાવ્યું કે ચંદ્રયાન-૩ની સફળતા પછી દેશભરમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ભારતે અવકાશ વિજ્ઞાનમાં ઝડપી ગતિએ પ્રગતિ કરી છે અને હવે ચંદ્રયાન-૪ તેમજ ભારતના પોતાના અવકાશ સ્ટેશન પર કામ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૩૦-૩૨ સુધીમાં ભારતીય એસ્ટ્રોનોટ્સ ચંદ્ર પર ઉતરી શકે તેવી તૈયારી ચાલી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, “આવા પ્રદર્શનોનો હેતુ માત્ર માહિતી આપવાનો નથી પરંતુ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો છે. ડોક્ટર અને એન્જિનિયર સિવાય પણ વિજ્ઞાનક્ષેત્રે અનેક કારકિર્દી તકો છે જે વિદ્યાર્થીઓ માટે નવા દ્વાર ખોલે છે.”

જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પોતાના ઉદબોધનમાં કહ્યું કે ઇસરોના વૈજ્ઞાનિકો ભારતના સાચા રત્ન છે. તેમની મહેનત અને કુશળતાને કારણે આજે ભારત અવકાશ ક્ષેત્રે વિશ્વને ટક્કર આપે છે. “આ પ્રદર્શનથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા વધશે અને તેઓ ચોક્કસપણે પ્રેરિત થશે,” એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ ઇસરોના અનેક મોડેલ જોયા જેમ કે –

  • GSLV, PSLV, SLV-3, ASLVના મોડેલ

  • કલ્પના સેટેલાઇટ (1:10 મોડેલ)

  • કોમ્યુનિકેશન સેટેલાઇટ, ભાસ્કર ઉપગ્રહ, નિસાર, માર્શ ઓર્બિટર

  • રિમોટ સેન્સિંગ એપ્લિકેશન મોડેલ

  • લૂનર પોલાર એક્સપ્લોરેશન મોડેલ

વિદ્યાર્થીઓએ આ તમામ પ્રદર્શન જોઈને ઇસરોના કાર્યો અંગે ઉત્સાહપૂર્વક માહિતી મેળવી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મુછાર, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચા, મામલતદાર આર.વી. પરસાણિયા, તેમજ ઇસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો સર્વ જય જાની અને રાજશે અજવાળિયા ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ