રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટમાં 10 ડિસેમ્બર 2024, મંગળવારના રોજ નોબલ પ્રાઈઝ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા “લોકો દ્વારા,લોકો થકી” થીમ આધારિત વિવિધ વૈજ્ઞાનિક દિવસો, વૈજ્ઞાનીકોના જન્મ દિવસો, શોધો, અને વર્કશોપ, વગેરે આયોજિત કરવામા આવે છે. રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા તારીખ 10 ડિસેમ્બર મંગળવારના રોજ ‘નોબેલ પ્રાઈઝ ડે’ ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 10 ડિસેમ્બર એ નોબેલ પ્રાઈઝના સ્થાપક સર આલ્ફ્રેડ નોબેલ ની પુણ્યતિથિ છે. આ દિવસને ‘નોબેલ પ્રાઈઝ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. સર આલ્ફ્રેન્ડ નોબેલ દ્વારા વર્ષ 1895માં આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ ૧૯૦૧થી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, દવા, સાહિત્ય, શાંતિ, અને અર્થશાસ્ત્ર જેવા અલગ-અલગ ક્ષેત્રોમાં દર વર્ષે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટમાં થીમ આધારિત ૬ ગેલેરીઓ આવેલી છે. જેમાં ભારતની સર્વપ્રથમ કહી શકાય તેવી નોબલ પ્રાઈઝ ગેલેરી વિકસાવવામાં આવેલ છે, જે ભૌતિકશાસ્ત્રને સમર્પિત છે. આ ગેલેરીમાં ૧૯૦૧ થી ૨૦૨૪ સુધીના ૨૨૧ જેટલા ભૌતિક શાસ્ત્રીઓ કે જેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલ છે, તેમની રસપ્રદ માહિતી પ્રદર્શિત કરવામાં આવેલ છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા તારીખ ૧૦ ડીસેમ્બર ના રોજ નોબેલ પ્રાઈઝ ડે નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ફિઝિયોલોજી અથવા મેડિસિન માટે નોબલ પ્રાઈઝ મેળવનાર લેટેસ્ટ ડીસ્કવરી પર એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરેલ હતું, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા તેમના વર્ષ ૨૦૨૪ના નોબેલ પ્રાઈઝ મેળવેલ શોધો વિષેની માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંજે નોબેલ પ્રાઈઝ એવોર્ડ સેરેમનીનું જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ સુમિત વ્યાસ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમને આગળ વધારતા નિષ્ણાંતોમાં ડૉ જીતેન્દ્ર જટાશંકર રાવલ કે જેઓ પ્રખ્યાત ખગોળશાસ્ત્રી છે, તેઓએ કાર્યક્રમને સંબોધિત કરી કાર્યક્રમની શરુઆત કરી હતી. ત્યારબાદ ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ સાવન કત્બાએ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કની શોધ પર માહિતી આપી હતી. ન્યુરોન્સ એક પ્રકારના સેલ છે. જે ઈલેક્ટ્રીકલ અને કેમિકલ સિગનલ પસાર કરે છે. મશીન લર્નિંગ વિથ ન્યુરલ નેટવર્ક નો ઉપયોગ કેન્સરની સારવારમાં, રોબોટિક સર્જરી, ટ્રાફિક મેનેજમેન્ટ, ઓટોમોબાઇલ વ્હીકલ, અને ક્રોપ મોનિટરિંગમાં થાય છે. ડૉ હર્ષ પુરોહિત કે જેઓ ડિપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજી માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓએ મેડિસિન વિભાગમાં માઈક્રો RNAનો ઉપયોગ જીન રેગ્યુલેશન, ડેવલોપમેન્ટ પ્રોસેસ, ડીસીઝ એસોસિએશન જોવા માટેની માહિતી સરળ ભાષામાં આપી હતી. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ ના પૂર્વ કુલપતિ ડૉ. અનામિક શાહ કે જેમણે રસાયણ શાસ્ત્રમાં Ph.D કરેલ છે અને તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે પોતાની ફરજ પણ નિભાવી ચૂક્યા છે, તેમણે રસાયણશાસ્ત્રમાં મળેલ નોબેલ પ્રાઈઝ કોમ્પ્યુટેશનલ ઓફ પ્રોટીનની માહિતી આપી હતી, જેમાં તેઓએ રસપ્રદ મહિતી આપેલ હતી જેમકે એક ન્યુરોન માં બે અબજ જેટલા પ્રોટીન હોય છે. પ્રોટીનનું આયોજન કેવી રીતે થાય છે અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની મદદથી નવા પ્રોટીન કેવી રીતે બનાવી શકાય છે. આ સાથે નોબલ પ્રાઈઝ સમારોહ કે જે દર વર્ષે સ્કોટહોમ સ્વીડન ખાતે યોજાય છે તેનું જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ માં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ એ ભાગ લીધો હતો.
અહેવાલ : નરેન દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)