રાજકોટ: રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા તારીખ 21 જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની સાથે સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમની શરૂઆત યોગ નિષ્ણાંત મિસ આવૃતિ સોજિત્રાના માર્ગદર્શન હેઠળ યોગ સાધના દ્વારા કરવામાં આવી. યોગ કાર્યક્રમમાં સૌમ્ય યોગ, યોગ નમસ્કારમ, નાડીશુદ્ધિ યોગ અને ધ્યાન ‘મિરેકલ ઓફ માઇન્ડ’ જેવી યોગાસનો કરાવવામાં આવી, જેનાથી શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય છે.
આ કાર્યક્રમમાં વી. જે. મોદી શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા. યુનાઈટેડ નેશન્સ દ્વારા દર વર્ષે ઉજવાતા યોગ દિવસની થીમ “યોગ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે” હેઠળ આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગના મહત્વ પર ભાર મુકાયો હતો.
વિશ્વ સંગીત દિવસની ઉજવણીમાં પણ શહેરના અનેક સંગીત સંસ્થાઓ, શાળાઓ અને સંગીત રસિકોનું ઉલ્લાસભેર જોડાણ રહ્યું. કાર્યક્રમની શરૂઆત અધરવેણુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના કલાકારોએ વાંસળી, ગિટાર અને કીબોર્ડના મધુર વાદનથી કરી હતી.
વેસ્ટવૂડ સ્કૂલના વિદ્યાર્થીઓએ સંગીત અને યોગ સાથે સંકલિત કાર્યક્રમ રજૂ કરતાં દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંગીતના ઓપન ફોર ઓલ સત્રમાં 77 જેટલા કલાકારોએ સોલો, ડ્યુએટ અને ગ્રુપ પરફોર્મન્સ આપી પોતાની કળા રજૂ કરી હતી. બે કેટેગરીઓ – કરાઓકે સાથે ગાયન અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પર વિશિષ્ટ પ્રસ્તતિઓ થઈ હતી.
કાર્યક્રમમાં એચ. જી. ગિટાર એકેડમીના વિદ્યાર્થીઓ અને અધરવેણુ ટ્રસ્ટના કલાકારોએ પણ સંગીતના વિવિધ વાદ્યોમાં પોતાનું કુશળ પ્રદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંગીતપ્રેમીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ અત્યંત સુમધુર અને ઉત્સાહભર્યા કાર્યક્રમમાં યોગ તથા સંગીતના મર્મને સૌમ્ય રીતે જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ