પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સાહેબની સૂચનાઓ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાંચ ભાવનગર અને મહુવા ગ્રામ્ય પોલીસની ટીમે સંયુક્ત કામગીરી અંજામ આપી હતી. વણશોધાયેલ મિલ્કત તથા શંકાસ્પદ પ્રવૃતિઓ સામે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ મળ્યા બાદ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમીના આધારે તલગાજરડા ગામે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી.
બાતમી મુજબ તલગાજરડા ગામે શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ નામની જગ્યાએથી ટ્રક નંબર GJ-11-U-8213 માં સફેદ રંગના પ્લાસ્ટિકના ટાંકા રહેવાના હતા, જેમાં ડીઝલ કે પેટ્રોલ સિવાયનું શંકાસ્પદ દહનશીલ પ્રવાહી ભરવામાં આવ્યું હતું. આ પ્રવાહી બીજી ટ્રક GJ-13-AX-8892 માં હેરફેર થતું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં બંને ટ્રક તથા બે શખ્સો શંકાસ્પદ રીતે ત્યાં હાજર મળ્યા હતા.
તપાસ દરમિયાન બંને વ્યક્તિઓ કોઈ સંતુષ્ટ જવાબ આપી શક્યા નહોતા અને ટ્રકમાં ભરેલું પ્રવાહી તેમજ બીજું માલ ચોરીનું કે છળકપટથી મેળવેલું હોવાનું જણાતા પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પકડી પાડવામાં આવેલ ઇસમોમાં શાહિદભાઇ વલીભાઇ સૈયદ (ઉંમર ૩૦, રહે. આશિયાના સોસાયટી, મહુવા) તથા તૌફીકભાઇ અબ્દુલભાઇ વસાયા (ઉંમર ૩૫, રહે. તલગાજરડાની નળ પાસે, મહુવા) નો સમાવેશ થાય છે.
જ્યાંથી કુલ રૂ.૨૭,૩૨,૬૨૫નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જેમાં રજીસ્ટર્ડ ટ્રક GJ-11-U-8213 ની કિંમત અંદાજે રૂ.૭ લાખ, તેમાં ભરેલ ૨૭૫ લીટર દહનશીલ પ્રવાહી રૂ.૨૦,૬૨૫, બે ટાંકા રૂ.૨ હજારના, બીજી ટ્રક GJ-13-AX-8892 માં ભરેલું લસણ રૂ.૨૦ લાખ અને બે મોબાઇલ ફોન રૂ.૧૦ હજારના સમાવેશ થાય છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા, પીએસઆઈ પી.ડી. ઝાલા અને એલસીબી સ્ટાફના તરૂણભાઇ નાંદવા, ગંભીરભાઈ પરમાર, પ્રવીણભાઈ ગળસર તથા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એચ.એમ. ભાદરકાની ટીમ દ્વારા સફળતાપૂર્વક અમલમાં મૂકી ગઈ હતી.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર