જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર (પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર) દ્વારા એક મહિલાને ઘરમાંથી મળતો શારીરિક અને માનસિક ત્રાસ નિવારવામાં સફળતા મળી છે. અરજીકર્તા બહેન પોતાના પતિના સતત ૧૨ વર્ષથી ચાલતા અત્યાચાર અને અપશબ્દોથી કંટાળીને પિયરમાં વસવાટ કરતી હતી. તેના ચાર સંતાનો છે અને તે છેલ્લા ઘણા સમયથી ઘરના ત્રાસથી ત્રસ્ત હતી.
જ્યારે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો ત્યારે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સી. જી. સોજીત્રા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી. ડી. ભાડ તથા કેશોદ પોલીસ સ્ટેશનના જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી.
મહિલા કાઉન્સેલર મહિડા એસ. આર. અને ગોંડલિયા જે. એસ. તથા ડાકી અંજુબેન દ્વારા બન્ને પક્ષોને વ્યક્તિગત અને સમૂહ મીટિંગમાં સમજાવ્યા બાદ બંને વચ્ચે સુખદ સમાધાન કરાવાયું હતું. બહેનની ઈચ્છા મુજબ પતિએ તેને ઘેર તેડી ગયા હતા.
આ કેસમાંથી સ્પષ્ટ થાય છે કે યોગ્ય માર્ગદર્શન, કાયદાની જાણકારી અને સંયમપૂર્વક કરેલી કાઉન્સેલિંગ દ્વારા ઘરના તણાવભર્યા સંજોગોમાંથી પણ સમાધાનના માર્ગ ખુલ્લા રહી શકે છે.