લોકશાહીના પર્વે પર્યાવરણનો પાવન સંદેશ : ચાપરડામાં ‘ગ્રીન ડેમોક્રેસી’ થીમ હેઠળ પર્યાવરણ દિવસની સવિશેષ ઉજવણી

જૂનાગઢ, તા. ૫:
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પરિપ્રક્ષ્યમાં ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે લોકશાહી અને પર્યાવરણ – બંનેની જાગૃતિ માટે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. “ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેકશન” થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિના સંદેશ સાથે પર્યાવરણના જતનની લાગણીસભર ઝલક જોવા મળી.

કાર્યક્રમની શરૂઆત સવારે ૯ વાગ્યે જાણીતા મહાનુભાવો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતીમાં થઈ. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં પ્રથમ વખત મતદાન કરવા જતા યુવાનોને ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપા વિતરણ કરાયા, જેથી તેઓ લોકશાહીથી જોડાઈ જતાં જ પર્યાવરણ પ્રત્યે પણ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે.

આ ઉપરાંત, પધારેલા મહેમાનોનું પણ પરંપરાગત રીતે રોપાના ઉપહારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોએ વૃક્ષારોપણ કર્યું અને ‘એક મત – એક વૃક્ષ’નો સંદેશ આપ્યો.

કાર્યક્રમમાં મટદાન જાગૃતિ માટે લોકગીતો, સંવાદો અને નાટ્યરૂપ રજુઆત પણ કરવામાં આવી. સ્થાનિક કલાકારોએ સજીવ પ્રસ્તુતિઓ દ્વારા લોકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ જગાવ્યો. વિદ્યાર્થીઓ અને શિક્ષક વર્ગે પણ સક્રિય ભાગ લીધો.

આ કાર્યક્રમ એ માત્ર પર્યાવરણ દિનની ઉજવણી નહોતું, પણ આવનારી પેઢીને મતદાન અને પર્યાવરણ – બંનેના મહત્વની સમજ પૂરી પાડતો એક અનોખો પ્રયાસ હતો.\

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ