વડોદરામાં એસીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, 43 વર્ષીય આધેડનો ભડથું થઈ મોત!

વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં શનિવારે એસીમાં શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક આધેડ વ્યક્તિ ભડથું થઇ જતાં તેમની ઘટનાસ્થળે જ દયનીય મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, સયાજીપુરા વિસ્તારની વિનાયક સોસાયટીના ટાવર-બીના મકાન નં-505માં આગ લાગી હતી. 43 વર્ષીય કિરણકુમાર રાણા મકાનમાં એકલા રહેતા હતા. અચાનક એસીમાં શોર્ટ સર્કિટ થતાં મકાનમાં ધૂમાડા અને આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ.

આગ લાગવાની જાણ થતાં જ તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે કિરણકુમાર રાણાને મકાનમાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ તેમનો ઘટના સ્થળે જ ભડથું થઈ જતાં કરૂણ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસએ પ્રાથમિક તપાસમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ કાઢ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિકો એસીની રીપેરીંગ અને મેઇન્ટેનન્સ સમયે ખાસ કાળજી રાખવા અનુરોધ કરી રહ્યા છે.

અહેવાલ : હર્ષ પટેલ (વડોદરા)