વડોદરામાં વાવાઝોડા દરમિયાન હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચર પડતાં રીક્ષા ચાલકનું કરુણ મોત

વડોદરા શહેરમાં સોમવારે સાંજે તોફાની પવન અને વરસાદના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા અને હોર્ડિંગ્સના સ્ટ્રક્ચરો પડી ગયા. એક દુઃખદ ઘટનામાં, શહેરના એક વિસ્તારમાં હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચર તૂટી પડતાં નીચે પસાર થઈ રહેલા રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું અને રીક્ષા પર આવી પડ્યું.

આ દુર્ઘટનામાં રીક્ષા ચાલકનું કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકોએ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને માંગ કરી છે કે શહેરમાં સ્થિર અને સુરક્ષિત હોર્ડિંગ્સની સ્થાપના કરવામાં આવે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાએ શહેરમાં હોર્ડિંગ્સની સુરક્ષા અને સ્થિરતા અંગે પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે.

અહેવાલ:- હર્ષ પટેલ વડોદરા