વડોદરા જિલ્લાના દિવેર મઢી પર સ્નાન પ્રતિબંધ: સ્થાનિક રહેવાસીઓ દ્વારા પ્રતિબંધ હટાવવાની માંગ!!

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામે આવેલ પ્રસિદ્ધ દિવેર મઢી પ્રવાસન સ્થળ પર કલેક્ટરશ્રી દ્વારા સ્નાન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિવેર મઢી, જે નર્મદા નદીના કિનારે વસેલું છે, ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓ અને સ્થાનિકોને આકર્ષે છે. લોકો અહીં પરિવાર સાથે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા આવે છે.

સ્થાનિક વેપારીઓની મુશ્કેલી:
પ્રતિબંધને કારણે દિવેર ગામના ગરીબ પરિવારો, જે નદી કિનારે નાની મોટી દુકાનો ચલાવી રોજગારી મેળવે છે, તેઓ માટે આર્થિક સંકટ ઊભું થયું છે. ત્રણ-ચાર મહિના ચાલતા આ વ્યવસાયથી અનેક પરિવારો પોતાની જીવિકા ચલાવે છે.

સ્થાનિકોની રજુઆત:
આજ રોજ દિવેર ગામના રહેવાસીઓ અને સ્થાનિક વેપારીઓ દ્વારા શિનોર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં સેફ્ટી નિયમો અને કલેક્ટરશ્રીના સૂચનાઓને ધ્યાનમાં રાખીને દિવેર મઢી પ્રવાસન સ્થળ ફરી ચાલુ કરવાની માંગણી કરવામાં આવી છે.

આંદોલનકારીઓનું નિવેદન:
ઘનશ્યામ વસાવા (ભારત આદિવાસી સંવિધાન સેના, વડોદરા જિલ્લા પ્રમુખ) અને હર્ષ પટેલ (વડોદરા) સહિત અનેક સ્થાનિક આગેવાનો આ મુદ્દે કલેક્ટરશ્રીના પ્રતિબંધ હટાવવાની માંગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો સેફ્ટી નિયમો સાથે દીવેર મઢી ફરીથી ખુલ્લું મુકવામાં આવે, તો સ્થાનિક પરિવારોને થતી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે.

હવે શું થશે?
પ્રશાસન તરફથી આ રજુઆત પર શું નિર્ણય લેવાશે તે જોવાનું રહેશે. સ્થાનિકો આશા રાખી રહ્યા છે કે કલેક્ટરશ્રી દ્વારા આ પરિસ્થિતિનું પુનર્વિચારણ કરાશે અને યોગ્ય ઉકેલ લાવવામાં આવશે.

અહેવાલ :- હર્ષ પટેલ, વડોદરા