વનથલી તાલુકાની બંટીયા પે સેન્ટર શાળામાં બાલ ઉર્જા રક્ષક દળ (BURD) સેમિનાર યોજાયો.

વનથલી તાલુકાની બંટીયા પે સેન્ટર શાળામાં બાલ ઉર્જા રક્ષક દળ (BURD) સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ઉર્જા બચત, વૃક્ષોનું જતન, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, આરોગ્યપ્રદ ખોરાક પ્રણાલી અપનાવવી, તંદુરસ્ત જીવનશૈલી તરફ આગળ વધવું તેમજ કચરા નિકાલ વ્યવસ્થાપન જેવી અગત્યની બાબતો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રના કો-ઓર્ડીનેટર પ્રતાપભાઈ ઓરાએ વિદ્યાર્થીઓને પર્યાવરણ સુરક્ષા અને ઊર્જા સંરક્ષણ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. બાળકોને રોજિંદા જીવનમાં નાની-નાની બાબતોનો અમલ કરીને પર્યાવરણને બચાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન જાગૃતિ સાથે સાથે વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોન્ટેસ્ટ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આથી વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે સ્પર્ધાત્મક ભાવનાનો પણ વિકાસ થયો હતો.

સેમિનારને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી ચુનીલાલ વાઘેલા, શિક્ષિકા શિલ્પાબેન, ધર્મિષ્ઠાબેન, ખ્યાતિબેન સહિતની ટીમે વિશેષ મહેનત લીધી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ