કોડીનારના લાડી લોહાણા સિંધી સમાજે લોકશાહી અને સંગઠનની ઉજવણી તરીકે “વન નેશન વન ઇલેકશન” ના સૂત્રને આચરતાં એક જ સ્થળે, એક જ દિવસે, એક સાથે ત્રણ પદોની ચૂંટણી યોજી અનોખી અને અનુપમ મિસાલ આપી છે. અખિલ ભારતીય લાડી લોહાણા સિંધી સમાજમાં આ પ્રકારની પહેલ કરનાર કોડીનાર પંચાયત પ્રથમ બની છે, જેમાં મહિલા મંડળ પ્રમુખ, યુવા મંડળ પ્રમુખ અને પંચાયત પ્રમુખ માટેની ચૂંટણી સમકક્ષ રીતે યોજાઈ હતી.
સૌપ્રથમ “નારી તું નારાયણી” ની ભાવના સાથે મહિલાઓની પસંદગીને મહત્વ આપતી મહિલા મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન પ્રમુખ શ્રીમતી કોકિલાબેન ટેવાણીને સર્વાનુમતે ફરી એક વખત સર્વસંમતિથી બિનહરીફ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ યુવા મંડળની ચૂંટણી યોજાઈ જેમાં હાલના યુવા પ્રમુખ અજયભાઈ ધાનાણી ફરીથી પસંદગી પાત્ર બનતા હતા, પરંતુ પોતાની ઉમર હવે યુવા મંડળના માપદંડે અનુકૂળ ન હોવાથી પોતે પદ છોડીને નવા યુવાનને તક આપવાનો ઉદાત્ત નિર્ણય લીધો હતો. તેમની આગવી ભુમિકા પછી યુવા ચહેરા તરીકે લવ કક્કડને સર્વાનુમતે નવી જવાબદારી સોંપવામાં આવી હતી.
અંતે, પંચાયત પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં વર્તમાન પ્રમુખ ગુરુમુખદાસ વાધવાણીના કાર્યકાળ દરમિયાન સમાજે સતત વિકાસના પાયલાં ચડી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી હોવાથી, સમગ્ર સમાજે એમને જ ફરી એકવાર આ પદ માટે યોગ્ય માન્યા હતા અને ઝૂલેલાલના નાદ સાથે તેમને આ પદ પુનઃ ભેટ આપ્યું.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા લોકશાહી પ્રત્યેના સમર્પણ અને સમાજના સંગઠનના ઉત્તમ ઉદાહરણ તરીકે સ્થાન પામે તેવું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ