વરતેજ રેલવે સ્ટેશન ખાતે પાર્ક કરેલા રેલવે ડીઝલ એન્જિનમાંથી ડીઝલ ચોરીના પ્રયાસમાં એક વ્યક્તિને રંગે હાથ પકડવામાં આવ્યો છે. લાલો કરમસીભાઈ મકવાણા (ઉ.વ. 30), રિક્ષા ચાલક, સિહોર નિવાસી તરીકે ઓળખાતા આ શખ્સે અગાઉ પણ ત્રણથી વધુ વખત ટ્રકમાંથી ડીઝલ ચોરી કર્યાનું સ્વીકારી લીધું છે.
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રેલવે પ્રોટેક્શન ફોર્સને વરતેજમાં ડીઝલ ચોરીની સતત મળતી માહિતીના આધારે ખાસ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
10 જુલાઈ 2025ના રોજ સવારે 5 વાગ્યે, તપાસ દરમિયાન રેલવે સ્ટેશનની પૂર્વ બાજુએ શંકાસ્પદ રીતે ફરતા શખ્સને પકડી લેવાયો. પૂછપરછમાં તેણે ડીઝલ ચોરી કર્યાનું કબૂલ્યું હતું અને અગાઉ પણ રેલવે એન્જિનમાંથી ડીઝલ કાઢીને કુલ 150 લિટર ડીઝલ ત્રણ અલગ જગ્યાએ વેચી નાખ્યાનું જણાવ્યું હતું.
તપાસ દરમિયાન આરોપી પાસે 115 લિટર ડીઝલ મળી આવ્યું છે, જ્યારે 35 લિટર ડીઝલ હજુ શોધખોળ હેઠળ છે. આરોપીએ પ્લાસ્ટિકના પાઈપ, પાણીની બોટલો અને લોખંડના સળિયા જેવા સાધનોના ઉપયોગથી ચોરીને અંજામ આપ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી સહાયક સુરક્ષા આયુક્ત પ્રેમનાથ રાય, સહાયક સુરક્ષા કમિશનર એલ.બી. સિંહ, તથા ઇન્સ્પેક્ટર કપિલ ચૌહાણ અને નાસિર હુસૈન સહિતની ટીમના માર્ગદર્શન હેઠળ કરી હતી.
આગામી તપાસ ASI મુકેશ કુમાર મીણા દ્વારા ચાલુ છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ