વરવાડા દરિયા કિનારે નિયમ વિરુદ્ધ ચાલતી ‘ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલ’ને તંત્રે સીલ કરી

દ્વારકા:

દ્વારકા તાલુકાના વરવાડા દરિયા કિનારે આવેલી ‘ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલ’ને તંત્ર દ્વારા આજે સીલ મારી દેવામાં આવી છે. નોટિસ આપી છતાં હોટેલ સત્તાવાર મંજૂરી વગર ચાલુ રાખવામાં આવી હતી, જેને પગલે તંત્રે કડક પગલું ભર્યું છે.

હોટેલ માટે ફાયર વિભાગની એન.ઓ.સી. તથા ગ્રામ પંચાયત પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. તે ઉપરાંત જે જમીન રહેણાંક તરીકે પલોટેડ છે, ત્યાં વ્યાપારી ધંધો ચલાવાતો હોવાથી તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ કાર્યવાહી હાથ ધરાઈ છે.

હોટેલ દરિયાકાંઠાથી આશરે 110 મીટરના અંતરે આવેલી છે અને આ વિસ્તાર CRZ (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન) હેઠળ આવે છે. એ મુજબ અહીં કોઈપણ પ્રકારના બાંધકામ માટે ખાસ મંજૂરી જરૂરી હોય છે. સાથે સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ હોટેલ સામે અગાઉ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તંત્ર દ્વારા હોટેલ સંચાલકો પાસે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માંગવામાં આવ્યા હતા. જોકે, સંતોષકારક પુરાવા રજૂ ન કરી શકતા તંત્રએ હોટેલને સીલ કરી દેવાનો નિર્ણાયક પગલાં ભર્યું છે.

આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો મળે છે કે દરિયા કિનારાની સંવેદનશીલ જમીન પર નિયમ વિરુદ્ધ બાંધકામ સામે તંત્ર કોઈપણ પ્રકારની ઢિલાઈ નહીં રાખે.

સંવાદદાતા : ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા