સુરત :
ગુજરાતની અગ્રણ્ય બેંકોમાં સ્થાન ધરાવતી ધી વરાછા કો- ઓપ. બેંક લિ., સુરતને ગુજરાતની તમામ કો- ઓપ. બેંકોમાં CASA ડિપોઝિટમાં પ્રથમ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. ગુજરાત અર્બન કો-ઓપ. બેંકસ ફેડરેશન દ્વારા તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ ગુરુવારનાં રોજ હોટલ લીલા ગાંધીનગર ખાતે આયોજિત “સહકાર સેતુ ૨૦૨૪”માં ગુજરાતની અર્બન કો-ઓપ. બેંકોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
સહકાર સેતુ ૨૦૨૪ કાર્યક્રમનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી માનનીયશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપ બેંકસ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (નાફકબ); ન્યુ દિલ્હીના ચેરમેનશ્રી લક્ષ્મીદાસ, ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશનનાં ચેરમેનશ્રી જ્યોતિન્દ્ર મહેતા તેમજ RBIનાં અધિકારીશ્રીઓ અને ગુજરાતની તમામ સહકારી બેંકોનાં હોદ્દેદારશ્રીઓ સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ સમારોહમાં વરાછા બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા, ડિરેક્ટરશ્રી નરેન્દ્ર ભાઈ કુકડીયા તેમજ જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણી અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર પરેશભાઈ કેલાવાલા ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
અહેવાલ :- બ્યુરો રિપોર્ટ (સુરત)