વલસાડ ચાઈલ્ડ વેલફેર કમિટીએ ૩ વર્ષ પહેલા વાપીથી ગુમ થયેલા બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્યો .

ખેરગામ

આજથી લગભગ ૩ વર્ષ પહેલાં વાપીના ડુંગરાથી આઠ વર્ષીય બાળક ગુમ થયુ હતુ. જેનો વલસાડની ચાઈલ્ડ વેલફેર કમિટી અને વાપી જીઆઈડીસી પોલીસે બાળકનું માતા-પિતા સાથે પુનઃમિલન કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

વાપીના ડુંગરાથી એક શ્રમિક પરિવારનો આઠ વર્ષીય દીકરો એના મિત્ર સાથે ફરવા જવા ટ્રેનમાં બેસી નાસિક પહોંચી ગયો હતો ત્યાંથી એના મિત્રને તો એના પિતા પરત ઘરે લઈ ગયા પરંતુ આ બાળક વિખૂટું પડી ગયું હતુ. રેલવે પોલીસને બિનવારસી હાલતમાં બાળક મળી આવતા નાશિક ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપી દીધો હતો. બે દિવસ પહેલાં નાસિક ચાઈલ્ડ વેલફેર કમિટીએ વલસાડ ચાઈલ્ડ વેલફેર કમિટીનાં ચેરપર્સન ભુવનેશ્વરીબેન દેસાઇનો સંપર્ક કરતા તેમણે નાસિક ખાતે રહેતા બાળક સાથે ટેલીફોનિક વાત કરી હતી. જેમાં બાળકે પોતે વાપીનો હોવાનું જણાવતાં ચાઈલ્ડ વેલફેર કમિટીએ ચર્ચા વિચારણા કરી વાપી જી.આઇ.ડી.સી.નાં પી.આઈ મયુરભાઈ પટેલનો સંપર્ક કરતાં તરત જ પી.આઇ.પટેલે એમની S.H.E. ટીમને વલસાડ ચાઈલ્ડ વેલફેર કમિટીનાં અધિકારી સાથે પોલીસ વાહનની સગવડ કરી આપી હતી. ટીમના જગદીશભાઈ અને વિજયભાઈએ ચાર કલાકમાં બાળકનાં માતા-પિતાને શોધી કાઢ્યા હતા.

આ અંગે વાપી જીઆઈડીસીના પી.આઈ. મયુરભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨માં બાળક વાપીના ડુંગરાથી ગુમ થયું હતું. તે સમયે માતા પિતાએ શોધખોળ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. બાળકનો કબજો વલસાડની ચાઈલ્ડ વેલફેર કમિટીને મળ્યા બાદ બાળકનું કાઉન્સેલિંગ કરતા તેને પોતાના માતા પિતાનું નામ પણ યાદ ન હતું. ઘરનું સરનામુ પૂછતા એટલું જણાવ્યુ હતું કે, પોતાના ઘરની નજીક હનુમાનજી દાદાનું મંદિર છે. જેથી પોલીસની સી ટીમ અને વેલફેર કમિટીની ટીમે વાપીનો વિસ્તાર ખૂંદી કાઢતા છેવટે છીરી રણછોડજી નગરમાં હનુમાનજી મંદિર નજીક પોતાનું ઘર બાળકે ઓળખી લેતા માતા પિતાનો પત્તો લાગ્યો હતો.

ચાઈલ્ડ વેલફેર કમિટીનાં ચેરપરર્સન ભુવનેશ્વરી દેસાઇ, ભારતીબેન ચૌહાણ, કૃપલબેન દિક્ષિત, રૂપેશભાઈ પાંડે તથા જયદીપભાઇ સોલંકીએ બાળકના માતા-પિતાને ચાઈલ્ડ વેલફેર કમિટીની ઓફિસ વલસાડ ખાતે બોલાવી બાળક સાથે પુનઃમિલન કરાવી બાળકનો કબજો અધિકૃત રીતે સોંપ્યો હતો.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)