ખેરગામ
વલસાડ તાલુકાના રાબડા ગામે નાના-નાની સાથે રહેતી માતા-પિતા વિનાની દીકરીને અમેરિકન દંપતિએ દત્તક લેવાની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરતા વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એન.દવેએ દીકરીને દત્તક આપતો હુકમ કર્યો છે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં રામજી મંદિર પાસે બજાર સ્ટ્રીટમાં રહેતા કિંજલકુમાર કિશોરભાઈ પટેલનું તા. ૨૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ મૃત્યુ થયુ હતું. ત્યારબાદ તેમની પત્નીએ બીજા લગ્ન કરી લેતા તેમની ૧૦ વર્ષીય દીકરી પરી વલસાડ તાલુકાના રાબડા ગામે નાના ઈશ્વરભાઈ ઘેલાભાઈ પટેલ અને નાની નયનાબેન ઈશ્વરભાઈ પટેલના સાથે રહી અભ્યાસ કરતી હતી. દીકરી પરીના સગા કાકા અપૂર્વભાઈ અને કાકી નિમિષાબેન પટેલ અમેરિકામાં નાગરિકતા ધરાવે છે તેમને સંતાનમાં એક દીકરો છે પરંતુ તેમને પરિવારમાં દીકરીની ખોટ વર્તાતી હતી. જેથી અપૂર્વભાઈએ પોતાના સગા મોટાભાઈની દીકરી પરીને માતા-પિતાનો પ્રેમ, હૂંફ, લાગણી અને પરિવાર મળે તે માટે દત્તક લેવાનો વિચાર પોતાની પત્ની નિમિષાબેન સાથે કર્યો હતો. પરંતુ આ વિચારને અમલમાં મુકવો કઠીન હતો કારણ કે, અમેરિકા અને ભારત સરકારના તમામ નિયમોનું પાલન કરવુ ફરજિયાત હતું. જેથી આ દંપતિએ પરીને દત્તક લેવા માટે વર્ષ ૨૦૨૨માં ઈન્ટર કન્ટ્રી રિલેટીવ એડોપ્શન માટે યુ.એસ.એ.માં અરજી કરી હતી. જે અરજી તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીએ પ્રિ-એપ્રુવલની મંજૂરી આપી હતી.જે સંદર્ભે યુ.એસ.એ. સરકારે તા. ૭ જૂન ૨૦૨૪ના રોજ પૂર્વ મંજૂરી આપતા સમગ્ર કેસ તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમ પાસે આવ્યો હતો. તા. ૯ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એન.દવે અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં અમેરિકા સ્થિત અને વલસાડના તમામ પક્ષકારોની સુનાવણી થઈ હતી. જેના આધારે તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એન.દવે દ્વારા આ અમેરિકન દંપતિને બાળક દત્તક આપતો હુકમ કર્યો હતો.
આ દંપતિએ દીકરીને દત્તક લઈ તેના અધિકાર અને પારિવારિક વાતાવરણ પુરૂ પાડવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. સમાજના આવા બાળકોના અધિકારો સુરક્ષિત થાય અને પરિવારનો પ્રેમ અને હૂંફ મળે તે માટે સમાજે પહેલ કરવાની જરૂર છે. બાળકને દત્તક લેવા માટે ભારત સરકારની વેબસાઈટ www.cara.wcd.gov.in પર રજિસ્ટ્રેશન અને દત્તક વિધાન અંગેની તમામ વિગતો ઉપલબ્ધ છે. ભારત સરકારની એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ મુજબનું દત્તક વિધાન કાનુની રીતે માન્ય છે.
અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)