ધરમપુર,
વલસાડ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પદે ફરીથી કિશન પટેલની વરણી કરવામાં આવી છે. દિલ્હી ખાતે યોજાયેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકારજું ખડગે, લોકસભામાં કોંગ્રેસના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યના ૩૩ જિલ્લાઓ માટે નવા જિલ્લા પ્રમુખની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં ભાજપના મજબૂત કિલ્લા સામે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે ખાસ મહારાષ્ટ્રના લોકસભા સાંસદ પરિણિતા શિંદે અને વ્યારાના પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામીતની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના ખારવેલ મેરેજ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. અહીં તમામ કોગ્રેસી કાર્યકર્તાઓની સેન્સ લેવાઈ હતી.
સેન્સ પ્રક્રિયા બાદ વલસાડ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પદે ફરીથી કિશન પટેલની વરણી કરવામાં આવી હોવાનું જાહેર કરાયું હતું.
કિશન પટેલની નિયુક્તિ પર માજી પ્રમુખ દિનેશ પટેલ, ચીખલી-વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ, ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ પટેલ, લઘુમતી સેલના પ્રમુખ ફહીમ બાહનાન, મુફીદ પઠાણ, કિશોર જાદવ, મોહન પટેલ, સહલ શાહરી, હનીફ શેખ, સરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્ય બાલુ સિધા સહિત જિલ્લાના અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ: ધાર્મિક વિશેષ, ધરમપુર