વલસાડ નગરપાલિકા વિસ્તારના અનેક વિસ્તારોમાં કચરાપેટી ના અભાવે લોકો ખુલ્લામાં કચરો નાખવા મજબૂર બનતા ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાયું છે. ખાસ કરીને એસટી વર્કશોપ અને મોગરાવાડી વિસ્તાર પાસે તો કચરાના ઢગલાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓએ જણાવ્યું કે કચરાના ઢગલાની કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. સાથે સાથે ઢોર, કૂતરાં જેવા પશુઓ પ્લાસ્ટિક સહિતનો કચરો ખાઈને બીમાર પડી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે રોગચાળાનો ભય પણ વધ્યો છે.
આ અંગે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જ્યાં-જ્યાં કચરો ખુલ્લામાં નાખવામાં આવે છે ત્યાં મોટા કદની કચરાપેટી મુકવામાં આવે, સાથે મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવે તો પરિસ્થિતિમાં સુધારો આવશે એવી માંગણી કરવામાં આવી છે.
રજુઆતમાં એ પણ જણાવાયું કે નગરપાલિકાના હદવિસ્તારમાં અનેક રસ્તાઓ ખરાબ હાલતમાં છે. તેથી ત્વરિત રિપેરિંગ કાર્ય હાથ ધરાય તેવી પણ માંગણી કરવામાં આવી છે.
📍 રિપોર્ટ: અંકેશ યાદવ, ખેરગામ