ગુજરાત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના વિધાનસભ્ય આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ “ગાંવ ચલો” અભિયાન અંતર્ગત આજે તેમના મતવિસ્તારના ઉમરસાડી માછીવાડ ગામના પ્રવાસે રહ્યા હતા. ગુજરાત ભાજપના અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ચાલતા આ અભિયાનમાં નાણામંત્રીશ્રીએ વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું અને લોકાર્પણ કર્યું.
પ્રવાસ દરમ્યાન નાણામંત્રીશ્રીએ ગ્રામજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. તેમણે ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું સ્થાન પર જઇ નિરીક્ષણ કર્યું અને જરૂરિયાત મુજબ તાત્કાલિક સૂચનો આપ્યા.
નાણામંત્રીશ્રીએ સ્કોર્ટ પુનાવાલા પ્રાઈવેટ લિમિટેડના સી.એસ.આર. પ્રોજેક્ટ હેઠળ ઓગણીયા તળાવના સુંદરિકરણ અને ગાર્ડનિંગ તેમજ ગામની મુખ્ય શાળામાં ડિજિટલ ક્લાસ અને આર.ઓ. ફિલ્ટર સિસ્ટમનું લોકાર્પણ કર્યું. તેમણે જણાવ્યુ કે આવા પ્રોજેક્ટ્સથી ગ્રામિણ વિસ્તારોમાં ગુણવત્તાવાળી શિક્ષણ તથા જીવનમાનમાં સુધારો થાય છે.
પ્રવાસ દરમ્યાન કનુભાઈ દેસાઈએ સિનિયર અને યુવા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને તેમના યોગદાન માટે અભિનંદન પાઠવ્યા. ખાસ કરીને મહિલાઓ અને યુવાનો સાથે ગામના ઉજળા ભવિષ્ય માટે ચર્ચા-વિચારણા કરી. ઉપરાંત માતાજીના મંદિરમાં ભંડારી સમાજ, કોળી સમાજ અને સાગર ટ્રસ્ટીના કાર્યકર્તાઓ સાથે પણ મળ્યા.
તેમણે સાગિયા ફળિયાના આદિવાસી વિસ્તારોમાં રસ્તા અને પાંજરાપોળનું નિરીક્ષણ કર્યું તેમજ શ્રી જલારામ મંદિરે દર્શન કર્યા. ગામના સિનિયર સિટિઝનશ્રી સુરેશભાઈ ટંડેલ, દિનેશભાઈ દલાલ અને પૂર્વ માછી મહાજન સમાજના પ્રમુખ નાનુભાઈ ટંડેલ તથા સંગઠન મંત્રી ધવલભાઈ દેસાઈના નિવાસે મુલાકાત લઈ તેમનું આશીર્વાદ મેળવ્યા.
નાણામંત્રીશ્રીએ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્મશાનગૃહની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું અને વિકસન કાર્ય માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. આ તકે પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ મનીષભાઈ દેસાઈ, તેમજ સ્કોર્ટ પુનાવાલાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.
આ પ્રવાસ દ્વારા સરકારના સંકલ્પ “સગર્ભ ગ્રામીણ વિકાસ” ને નાણામંત્રીશ્રીએ વધુ વેગ આપ્યો અને “ગાંવ ચલો” અભિયાનને સફળ બનાવ્યું.
અહેવાલ – વિશાલ પટેલ, વલસાડ