વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ચોમાસા સંદર્ભે કામગીરી કરાશે

જૂનાગઢ
ચોમાસાની ઋતુ શરૂ થાય છે અને વરસાદ થવાથી જુદી-જુદી સરકારી-બિન સરકારી મિલકતો માં પુષ્કળ પ્રમાણમાં મચ્છર ઉત્પતિ સ્થાનો ઉદ્દભવી શકે છે. વાહક જન્ય રોગને નિયંત્રણમાં રાખવા માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવી ખૂબ જ જરૂરી છે. આથી સરકારી ઓફિસ, બિલ્ડીંગો વગેરેમાં પ્રિમોન્સૂન ક્લિનિંગ તથા સોર્સ રિડક્શનની કામગીરી હાથ ધરવામાં આવે તો ચોમાસા દરમિયાન મર્યાદિત બ્રીડિંગ પ્લેસ ઉત્પન્ન થશે અને વેક્ટર કંટ્રોલ થઈ શકશે.

જુદા-જુદા વિભાગો દ્વારા પ્રિ-મોન્સૂન/મોન્સૂન સિઝન દરમિયાન ઓફિસ કેમ્પસમાં ક્લીનીંગ ઓપરેશન હાથ ધરવું, ચા ના કપ/ગ્લાસ હોઇ તો નિકાલ કરવો, સેનેટરી બ્લોક પાછળની સેપ્ટિક ટેન્ક ખુલી હોઇ તો બંધ કરાવવી, અગાશીમાં વરસાદનું પાણી ન ભરાઇ રહે તે માટે મરામત કરાવવી વગેરે જેવી કામગીરી હાથ ધરવાની રહેશે.

જેમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, રેવન્યુ વિભાગ, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા અને વાસ્મો વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, જિલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ, ઉદ્યોગ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, નગરપાલિકા, પંચાયત વિભાગ, બાંધકામ વિભાગ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ, પીજીવીસીએલ વિભાગ, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, આયુર્વેદ વિભાગ, પોલીસ વિભાગ, ડેરી, લીડ બેંક, આરટીઓ વિભાગ, વન વિભાગ, ખાણ ખનીજ વિભાગ સહિતના વિભાગોએ ચોમાસા દરમિયાન વાહક જન્ય રોગ જેવા કે, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો ફેલાવો અટકાવવાની કામગીરી હાથ ધરવાની રહેશે.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)