કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે કિસાન દિવસ નિમિત્તે આયોજિત કિસાન કુંભ- ૨૦૨૪માં સંબોધિત કરતા રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિ અપનાવા માટે આહવાન કર્યું હતું. આ સાથે તેમણે ખેડૂતોને કૃષિ ઉત્પાદનોનું મૂલ્ય વર્ધન અને કૃષિ ક્ષેત્રની નવીન ટેકનોલોજી અપનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.
અગ્રગણ્ય દૈનિક ફુલછાબ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અને ખેડૂત નેતા શ્રી ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીએ ઉજવાતા કિસાન દિવસ નિમિત્તે આયોજિત આ કૃષિ કિસાન કુંભ – ૨૦૨૪નો શુભારંભ કરાવતા પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીશ્રીએ સંબોધિત કર્યા હતા.
આ પ્રસંગે તેમણે કિસાન નેતા શ્રી ચૌધરી ચરણસિંહનું પુણ્ય સ્મરણ કરતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી પ્રવર્તમાન સમયની તાતી જરૂરિયાત છે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગના લીધે જમીન બિન ઉપજાવ અને ફળદ્રુપતા ગુમાવી રહી છે. ઉપરાંત જન આરોગ્ય અને પર્યાવરણ માટે પણ રાસાયણિક ખેતી હાનિકારક બની રહી છે. તેનો ઉકેલ જણાવતા કૃષિ મંત્રીશ્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી હતી.
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે તમામ પ્રયત્નો સાથે આવશ્યક પગલાં પણ લઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન બની રહેશે અને ખેડૂતોની સમૃદ્ધિ થકી જ દેશ સમૃદ્ધ બનશે.
કૃષિ મંત્રીશ્રીએ ફુલછાબ દૈનિકની સમાજ અને ખેડૂત સજાગ કરવા માટેની ભૂમિકાની પ્રશંસા કરતા પ્રવર્તમાન સમયને ધ્યાને રાખી, ખેડૂત ઉપયોગી આ કિસાન કુંભ- ૨૦૨૪ના આયોજન માટે ફૂલછાબના CEO, તંત્રી, વ્યવસ્થાપકો, મેનેજરને અભિનંદન આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, ફૂલછાબ દૈનિક સમાજની પડખે ઊભું રહી સતત લોકોને જાગૃત કરવાનું અવિરત કાર્ય કરી રહ્યું છે.
કૃષિ મંત્રીશ્રીએ ખેડૂતોને એગ્રો પ્રોસેસિંગ પદ્ધતિ અપનાવી ખેત ઉત્પાદનોના મૂલ્ય વર્ધન કરી બજારમાં વેચાણ માટે પણ અનુરોધ કર્યો હતો. ઉપરાંત ખેતી કાર્યોમાં ડ્રોન ટેકનોલોજી સહિતની ઇજનેરી તકનીકોને અપનાવવાની હિમાયત કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ ખેતીમાં ટેકનોલોજીનો વ્યાપ વધે અને બહેનોનું પણ સશક્તિકરણ થાય તે માટે ડ્રોન દીદી યોજના અમલી બનાવી છે. બહેનોને આ માટે જરૂરી તાલીમ પણ આપવામાં આવી રહી છે, આજે જ્યારે ખેતીમાં શ્રમિકોની અછત વર્તાય છે ત્યારે ખેડૂતો માટે ડ્રોન ટેકનોલોજી નેનો યુરિયા સહિતના છંટકાવમાં ખૂબ ઉપયોગી નીવડે છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ પણ ફુલછાબના પત્રકારત્વને બિરદાવતા કહ્યું કે, દેશ અને સમાજ માટે જરૂરી કાર્યો થકી ફૂલછાબ નાગરિક ધર્મ નિભાવવાનું કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખેતીથી વધતા જતા રોગોથી બચવા માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે અને ભાવિ પેઢીના નિર્માણ માટે પણ પ્રાકૃતિક ખેતી અપનાવવી આવશ્યક છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને નવીન ટેકનોલોજી અપનાવવાનો પણ અનુરોધ કર્યો હતો.
આ સાથે ફૂલછાબ દૈનિક દ્વારા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ હોવાનો સગૌરવ ઉલ્લેખ કર્યો હતો.આ પ્રસંગે જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝ પેપરના મેનેજિંગ એડિટર અને સીઈઓ શ્રી કુંદન વ્યાસ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી. ચોવટીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળના સભ્ય શ્રી ડો. થોભણ ઢોલરીયા, ફૂલછાબના જનરલ મેનેજર શ્રી નરેન્દ્રભાઈ સીબા, મેનેજિંગ ટ્રસ્ટી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ હાર્દિકભાઈ મામણીયા એ પ્રાકૃતિક કૃષિ સહિતના મુદ્દાઓને આવરી લઈ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું.ફૂલછાબ દૈનિકના તંત્રી શ્રી જવલંત છાયાએ શાબ્દિક સ્વાગત કરવાની સાથે કિસાન કુંભ- ૨૦૨૪ની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ કૃષિ લક્ષી સ્ટોલની માન. મંત્રીશ્રીએ મુલાકાત લઈ પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા હતા તેમજ પ્રગતિશીલ ખેડુતોનુ મોમેન્ટો અપર્ણ કરી સન્માન કરવામાં આવ્યુ હતું.
આ કિસાન કુંભમાં પ્રાકૃતિક ખેતી, ખેત ઉપજનું મૂલ્યવર્ધન, ડ્રોન ટેકનોલોજી અને ટકાઉ ખેતી- ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવવા માટે તજજ્ઞો દ્વારા ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે કિસાન કુંભ-૨૦૨૪ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એકઝીક્યુટીવ ડીરેક્ટર એગ્રો સેલ ચૈતન્ય શ્ર્રોફ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. નરેન્દ્ર જાદવ, સંશોધન નિયામક ડૉ. આર.બી.માદરિયા તથા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)