“વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” થીમ સાથે બોટાદ શહેરના રસ્તાઓ પર જાગૃતિલક્ષી રેલી યોજાઈ.

બોટાદ

૧૧ જુલાઈના દિવસને સમગ્ર વિશ્વમાં વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે બોટાદ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા તથા તાલુકા હેલ્થ ઓફીસ, બોટાદ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પાલજીભાઇ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી કેશુભાઈ પંચાળા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા વિશ્વ વસ્તી દિવસ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

“વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન”ની થીમ સાથે બોટાદ શહેરના વિવિધ રસ્તાઓ પર કુટુંબ નિયોજન અંતર્ગત પત્રિકાના પ્રસાર-પ્રચાર સાથે વિશ્વ વસ્તી દિવસ ઉજવણી કરવામાં આવી હતી. વિશેષમાં ૧૧ જુલાઈથી ૨૪ જુલાઈ સુધી જન સંખ્યા સ્થિરતા પખવાડિયું તરીકે ઉજવવામાં આવશે, જેમાં લક્ષિત દંપતીઓને આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા કુટુંબ કલ્યાણની વિવિધ કાયમી અને બીન કાયમી પધ્ધતિઓની સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ રેલીમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, તથા આશા વર્કર સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયાં હતાં.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)