વિકસિત ભારત ર૦ર૪ અંતર્ગત MSME થકી SGCCI તથા FICCI-CMSME દ્વારા જાન્યુઆરીમાં Gujarat MSME સમિટ ર૦રપ સુરત ખાતે યોજાશે.

સુરતઃ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી FICCI-CMSME (કોન્ફેડરેશન ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ) દ્વારા સંયુકતપણે વિકસિત ભારત ર૦૪૭ અંતર્ગત MSME થકી ભારતના વિકાસને વેગ આપવાના હેતુથી જાન્યુઆરી– ર૦રપમાં Gujarat MSME સમિટ ર૦રપનું સુરત ખાતે આયોજન કરવામાં આવશે.

મંગળવાર, ૧લી ઓકટોબર ર૦ર૪ના રોજ બપોરે ૧રઃ૩૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે Gujarat MSME સમિટ ર૦રપ માટે કર્ટન રેઝર સેરેમની યોજાઇ હતી. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, પૂર્વ પ્રમુખ શ્રી આશીષ ગુજરાતી તથા FICCI-CMSME ના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી ગિરીશ લુથરા અને નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડો. હરજિંદર કૌર તલવાર, FICCI-CMSME જોઇન્ટ ડિરેકટર સુશ્રી દિપ્તી પંત, FICCI-CMSME ગુજરાતના રિજીયોનલ ચેરમેન શ્રી અંકિત પટેલ, ચેમ્બરના ગૃપ ચેરમેનો સીએ મિતિષ મોદી અને કિરણ ઠુમ્મર, ચેમ્બરની MSME કમિટીના ચેરમેન શ્રી મનિષ બજરંગ, સીએ રાજીવ કપાસિયાવાલા, શ્રી શ્રેયાંસ ગોયલ અને શ્રી પ્રદીપ પટેલ વિગેરે MSME ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ એ ભારતીય અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, જે રોજગાર, સ્થાનિક ઉત્પાદન અને એક્ષ્પોર્ટમાં નોંધપાત્ર યોગદાન આપે છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત MSME નું હબ છે ત્યારે MSMEs આખા ભારતમાં ૧ર કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. ભારતમાં ૬ કરોડ ૩૪ લાખથી વધુ MSMEs છે, જે ભારતના કુલ જીડીપીમાં ૩૦ ટકા અને કુલ એક્ષ્પોર્ટમાં ૪૮ ટકા યોગદાન આપે છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનો સંકલ્પ લીધો છે અને એના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે MSMEs મહત્વની ભૂમિકા ભજવશે. માનનીય વડાપ્રધાનશ્રીએ વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પણ સંકલ્પ લીધો છે અને આ સંકલ્પને સાકાર કરવામાં પણ MSMEs નો ફાળો અગત્યનો રહેશે. વિકસિત ભારત ર૦૪૭ અંતર્ગત MSME થકી દેશના વિકાસને વેગ આપવાના હેતુથી જાન્યુઆરી– ર૦રપમાં Gujarat MSME Summit 2025 સુરત ખાતે યોજાશે, જેમાં એમએસએમઇ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે.

FICCI-CMSME ના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી ગિરીશ લુથરા અને નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડો. હરજિંદર કૌર તલવારે (વિડિયો કોન્ફરન્સથી ઓનલાઇન જોડાઇને) વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે તેમજ MSME ઉદ્યોગોના ડેવલપમેન્ટ હેતુ બંને સંસ્થાઓ દ્વારા જે પ્રયાસો હાથ ધરાયા છે અને તેના ભાગ રૂપે જાન્યુઆરી ર૦રપમાં સુરત ખાતે આયોજિત ગુજરાત એમએસએમઇ સમિટ ર૦રપ માટે અભિનંદન આપ્યા હતા.

FICCI-CMSME ગુજરાતના રિજીયોનલ ચેરમેન શ્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, MSME ઉદ્યોગોને ગ્લોબલ લેવલ પર લઇ જવા માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે. MSME to MNC નો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ફિકકી તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એમએસએમઇ સમિટ ર૦રપ યોજાશે, જેમાં એમએસએમઇ ઉદ્યોગમાં ઇનોવેશન અને નવા આઇડિયાઝની સાથે સાથે એમએસએમઇ ફંડ એકત્રિત કરવા તેમજ સરળતાથી તેઓને લોન મળી રહે તે માટેની માહિતી આપવામાં આવશે. ગ્રીન એમએસએમઇ, ક્રેડિટ ગેરંટી સ્કીમ, ન્યુ એસેસમેન્ટ ગવર્નમેન્ટ મોડલ, મુદ્રા લોન એક્ષ્પાન્શન, ઇ–કોમર્સ હબ અને એક્ષ્પોર્ટ હબ સાથે એમએસએમઇ ઉદ્યોગો ઉત્પાદન પ્રક્રિયામાં કાર્યક્ષમતા વધારી ખર્ચ કેવી રીતે ઘટાડી શકશે તે દિશામાં તેઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.

એમએસએમઇ ઉદ્યોગકારોને રિન્યુએબલ એન્ડ ગ્રીન એનર્જીમાં રહેલી વિપુલ તકો વિષે માહિતગાર કરવામાં આવશે. સાથે જ પ્રોડકટની ગુણવત્તા સુધારવા પર તેમજ વૈશ્વિક ગ્રાહકની ડિમાન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર તેમજ એમએસએમઇ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આઇઓટીના ઉપયોગ વિષે માહિતી આપવામાં આવશે. તદુપરાંત જેમ પોર્ટલ જેવી ગવર્નમેન્ટ બોડીઝમાં એમએસએમઇ રજિસ્ટ્રેશન વધારવા લઘુ ઉદ્યોગકારોને પ્રેરિત કરવામાં આવશે. વીન્ડ ફાર્મ માટે નાના પાર્ટ્‌સના મેન્યુફેકચરીંગની દિશામાં લઘુ ઉદ્યોગકારોએ વિચારવું પડશે. સ્થાનિક કક્ષાએ એમએસએમઇની સમસ્યાના ઝડપી નિરાકરણ પર તેમજ તેઓના ભવિષ્ય પર ફોકસ કરવા હેતુ ગુજરાત એમએસએમઇ સમિટ ર૦રપ યોજાશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ આ પ્રસંગે ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ ભારતના વિકાસને વેગ આપવાના હેતુથી જાન્યુઆરી– ર૦રપમાં આયોજિત ગુજરાત એમએસએમઇ સમિટ ર૦રપ વિષે જાણકારી આપી હતી.

અહેવાલ :- બ્યુરો રિપોર્ટ (સુરત)