વિદેશી-ભારતીય બનાવટ ઇંગ્લીશ દારૂની મોટી જથ્થા સાથે એક આરોપી ઝડપી પાડ્યો: ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની સફળ કામગીરી

ભાવનગર, 3 જૂન, 2025 –
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા વિદેશી અને ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૮ જેટલી, કિંમત રૂ. ૧,૭૧,૪૦૦/-ના મુદ્દામાલ સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને રોકવા સખત સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને, તા. ૨ જૂન, ૨૦૨૫ના રોજ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે, અગાઉ દારૂના કેસમાં પકડાયેલા અમિત ઉર્ફે વેન્ચર મહેશભાઈ પરમાર (ઉંમર ૪૦ વર્ષ, રહેવાસી: પ્લોટ નં. ૨૨૬, ચંદ્ડ પાર્ક સોસાયટી, અધેવાડા) અષ્ટવિનાયક કોમ્પ્લેક્સ, ભાવનગરની બેઝમેન્ટ પાર્કિંગમાં બનાવટના ઇંગ્લીશ દારૂની હેરફેર કરી રહ્યો છે.

આ બાતમીને આધારે તાત્કાલિક રેઇડ કરી આરોપી પાસેથી નીચે મુજબના વિદેશી અને ભારતીય બનાવટના દારૂના બોટલો કબજે કરાયા:

  • જેમીસન ત્રિપલ ડિસ્ટીલ્ડ આઇરીશ વ્હીસ્કી, ૭૫૦ એમએલ, ૮ બોટલ – કિંમત રૂ. ૪૭,૨૦૦/-
  • બેલેન્ટાઇન્સ ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી, ૭૫૦ એમએલ, ૧૦ બોટલ – કિંમત રૂ. ૩૦,૯૦૦/-
  • જોહની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી, ૭૫૦ એમએલ, ૨૦ બોટલ – કિંમત રૂ. ૬૧,૮૦૦/-
  • ડેવર્સ ટ્રુ સ્કોચ વ્હાઇટ લેબલ, ૭૫૦ એમએલ, ૧૦ બોટલ – કિંમત રૂ. ૩૧,૫૦૦/-

કુલ કિંમત: રૂ. ૧,૭૧,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ કેસમાં આરોપી વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ વનરાજભાઈ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, અને માનદિપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે આ કામગીરી સફળતાપૂર્વક સંપન્ન કરી.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર