વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક મૂલ્યાંકન પદ્ધતિમાં લાવાશે 360 ડિગ્રી પરિવર્તન.

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાના પરિવર્તનશીલ અભિગમ તરીકે “હોલિસ્ટિક એજ્યુકેશન” એટલે કે સર્વગ્રાહી શિક્ષણ અને તેનું યોગ્ય મૂલ્યાંકન કેવી રીતે થવું જોઈએ, એ માટે રચાયેલ ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાની ભલામણોનો અહેવાલ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કર્યો.

આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહ જાદવે મુખ્યમંત્રીને અહેવાલ સુપરત કરતાં જણાવ્યું કે, ટાસ્ક ફોર્સે રાજ્યભરના વિવિધ શૈક્ષણિક માળખા, વર્તમાન અભ્યાસક્રમ, વિદ્યાર્થીની અભિગમ ક્ષમતા તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અમલમાં રહેલા અભિગમોનું અધ્યયન કરીને આ ભલામણો તૈયાર કરી છે.

આ અભિગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં અમલમાં મુકવામાં આવેલી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 સાથે સહજ રીતે સંકળાયેલો છે, જેમાં માત્ર શૈક્ષણિક અભ્યાસ પૂરતો જ નહિ, પણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંવાદક્ષમતા, ક્રિટિકલ થિંકિંગ અને વોકેશનલ સ્કિલ્સનું પણ મૂલ્યાંકન થવું જોઈએ તે મુદ્દે ભાર મૂકવામાં આવ્યો છે.

ટાસ્ક ફોર્સે ભલામણ કરી છે કે, હવે સમય આવી ગયો છે કે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં માત્ર માર્કશીટ નહીં, પરંતુ તેના વ્યાપક અને ગુહ્ય ગુણોનું પણ માપદંડ તૈયાર થાય. આ દૃષ્ટિએ “360 ડિગ્રી મૂલ્યાંકન” પદ્ધતિ અમલમાં મુકવી જરૂરી છે, જે શિક્ષકો, પેરેન્ટ્સ અને પીઅર્સ – ત્રણે સ્તરે ફીડબેક પર આધારિત રહેશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ આ અહેવાલને આવકાર આપતાં જણાવ્યું કે, “શિક્ષણ એ ભવિષ્ય ઘડવાનું સાધન છે. NEP અને રાજ્યની આ ભલામણો શિક્ષણ વ્યવસ્થામાં આવશ્યક પરિવર્તન લાવશે. રાજ્ય સરકાર ટાસ્ક ફોર્સના અહેવાલના આધારે યોગ્ય કાર્યવાહી કરશે.”

આ મહત્વના પગલાથી રાજ્યમાં હોલિસ્ટિક એજ્યુકેશન દિશામાં એક નવું અધ્યાય શરૂ થવાની સંભાવના ઉભી થઈ છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ