વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે પાલનપુર ખાતે ૮૯.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલ્વે ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયું.

બનાસકાંઠા

આજ રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૫૮ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૨૭ પર એલ.સી. ૧૬૫ પર નવનિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયું હતું. રેલ્વે ઓવરબ્રીજની તકતીનું અનાવરણ તથા બ્રીજનો લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને કેબિનેટમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ લોકાર્પણ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા બ્રિજના પાલનપુર અપ્રોચથી એલિવેટેડ રોટરી સુધીનું નિરીક્ષણ કરાયું હતું. આ કાર્યક્રમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે આજે પાલનપુર શહેર, આબુ રોડ અને અંબાજી એમ ત્રણેય દિશાઓમાં જઈ શકાય એવા ૨ કિમીથી વધુ લંબાઈ ધરાવતા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને રેલવે ફાટકના કારણે થતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ રેલ્વે ઓવરબ્રીજ માત્ર પાલનપુર શહેરના લોકો માટે નહીં પરંતુ અહીથી પસાર થતાં ગુજરાત અને રાજસ્થાનના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે. અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદ થકી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોવાથી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમાં કેબિનેટ મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠાની સતત ચિંતા કરીને ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે સઘન પ્રયત્નો કર્યા છે. આ ભવ્ય પુલના નિર્માણથી આવનાર સમયમાં અહિયાં થતાં ટ્રાફિકમાંથી છુટકારો મેળવી શકાશે. બનાસકાંઠામાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસ કામો થઈ રહ્યા છે જેના કારણે બનાસને વિકાસની અનેક નવી ભેટો મળી રહી છે. પાલનપુરમાં નિર્માણ પામેલ આ ઓવરબ્રિજ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બનાસ વાસીઓને અનમોલ ભેટ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલ્વે બ્રિજ 17 મીટર ઊંચાઈ પર રોટરી વાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે. જયારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે. આ બ્રિજના નિર્માણમાં ૩૬૦૦ મેટ્રિક ટન લોખંડ અને ૧૬ હજાર મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે. આ બ્રિજના લોકાર્પણથી લોકોને અવરજવરથી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે.

આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા સંગઠનનાં પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદશ્રી પરબતભાઇ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયા, જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારીશ્રી, માર્ગ અને મકાનનાં કાર્યપાલક ઇજનેરશ્રી શિરીષ સિંઘ, અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)