જુનાગઢ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસે મતદાન જાગૃતિ સાથે પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપવામાં આવ્યો. ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે SVEEP કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને વૃક્ષ આપીને તેમના મતાધિકારના યોગ્ય ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજાયેલ આ કાર્યક્રમમાં ‘ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન’ની થીમ હેઠળ મતદાન અને પર્યાવરણ રક્ષણના સંદેશોને સાંસ્કૃતિક રીતે રજૂ કરવામાં આવ્યા. “એક મતથી શું ફેર પડે?” જેવી નાટકીય રજૂઆતો દ્વારા જનતામાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં જનરલ ઓબ્ઝર્વર હીરાલાલની ઉપસ્થિતિ રહી હતી, જેમણે યુવાનોને પ્રકૃતિ પ્રેમ અને લોકશાહી બંને પ્રત્યે પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો. સપ્તક કલાવૃંદે દેશભક્તિ અને મતાધિકાર વિશેના ગીતો દ્વારા સભામાં ઊર્જા ભરી દીધી.
જિલ્લા શિક્ષણ અધિકારી અને SVEEPના નોડલ લતાબેન ઉપાધ્યાયે કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત કર્યું. આ સાથે વિસાવદરના પ્રાંત અધિકારી હીરવાણીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકમા, અને બ્રહ્માનંદ વિદ્યાધામના ટ્રસ્ટી કમલેશભાઈ ધાધલ સહિત અનેક અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમ દ્વારા પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવાનો માટે જીવનભર યાદ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો—જેમ શાસન માટે મતદાન જરૂરી છે તેમ જ જીવન માટે વૃક્ષો જરૂરી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ