૨૫ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રમાં ફાર્માસિસ્ટની ભૂમિકા ખૂબ જ અગત્યની હોવા છતાં સામાન્ય જનમાનસમાં તેમના ફાળાને લઈને પૂરતી સમજણ નથી.
ફાર્માસિસ્ટ એટલે ડોક્ટર અને દર્દી વચ્ચેની મહત્વપૂર્ણ કડી. હોસ્પિટલને હૃદય તરીકે ઓળખાતા ફાર્માસિસ્ટ, દવાના ખરીદ, સંગ્રહ અને વિતરણથી લઈને દર્દીને યોગ્ય દવા યોગ્ય સમયે પહોંચાડવા સુધીની જવાબદારી નિભાવે છે. ફાર્મસી એક્ટ મુજબ, અધિકૃત ફાર્માસિસ્ટ વગર દવાના વિતરણને કાયદેસર ગુનો માનવામાં આવે છે.
ફાર્માસિસ્ટ દિપેન અટારાએ જણાવ્યું કે – “જાગૃત નાગરિક તરીકે દરેકની ફરજ છે કે મેડિકલ સ્ટોર પરથી દવા લેતા સમયે ફાર્માસિસ્ટની હાજરી વિશે ખાતરી કરો. દરેક દવાની દુકાનમાં અધિકૃત ફાર્માસિસ્ટનો ફોટો અને લાઇસન્સ ફરજિયાત રીતે ડિસ્પ્લેમાં હોવું જોઈએ. જો એવું ન હોય તો ગ્રાહકને પૂછવાનો સંપૂર્ણ અધિકાર છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે ફાર્માસિસ્ટ માત્ર દવાના વિતરણકાર જ નથી, પરંતુ દવાના નિષ્ણાત છે. દર્દીએ દવા ક્યારે લેવી, કયા ખોરાક સાથે કે વગર લેવી, કઈ દવા સાથે કઈ દવા ચાલે કે ન ચાલે તેની માહિતી માત્ર ફાર્માસિસ્ટ આપી શકે છે. દવા શરીરમાં કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતવાર જાણકારી પણ ફાર્માસિસ્ટ પાસે જ હોય છે.
“જ્યારે ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે એ દવા દર્દીને આરોગ્ય તરફ દોરી જાય છે. વિચાર કરો કે જો ફાર્માસિસ્ટ દવા જ ન બનાવે તો દર્દીને સાજા કોણ કરી શકશે?” – એમ અટારાએ ખાસ ઉલ્લેખ કર્યો.
આરોગ્ય ક્ષેત્રની અંદર ફાર્માસિસ્ટનો ફાળો અગત્યનો છે, પરંતુ ભારત દેશમાં હજુ સુધી લોકોમાં પૂરતી જાણકારી નથી. આ અંગે જાગૃતિ વધે તે જરૂરી છે.
આ અવસરે લોહાણા સમાજની સંસ્થાઓ – લોહાણા મહાજન, રઘુવીર સેના, લોહાણા બોર્ડિંગ, લોહાણા યુવક મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપ, જલારામ મંદિર, રઘુવંશી ક્રેડિટ કો-ઓપરેટિવ બેંક, લોહાણા મહિલા મંડળ, કેશોદ શહેરના લોહાણા અગ્રણીઓ, નવ નિર્માણ સેના ગુજરાતના ઉપાઅધ્યક્ષ જગદીશ યાદવ તથા જનતા બજાર દ્વારા ફાર્માસિસ્ટ દિપેન અટારાને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ચેમ્બર ઓફ કોમર્સે પણ શુભકામનાઓ પાઠવી.
📍 અહેવાલ : જગદીશ યાદવ, જૂનાગઢ