તા. ૧૧ : વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫ની નિમિત્તે, જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા GMERS મેડિકલ કોલેજ, જૂનાગઢ ખાતે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વસ્તી વધારો સંબંધિત મુદ્દાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો રહ્યો હતો.
દર વર્ષે ૧૧ જુલાઈનો દિવસ વિશ્વભરમાં વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષનું થીમ હતું: “મા બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય”, જે પરિવાર આયોજન અને માતા-બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખે છે.
કાર્યક્રમમાં જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન સોમાતભાઈ વાસણ, મેડિકલ કોલેજના ડીન ડો. અલ્પેશ સાલ્વી, સિવિલ સર્જન ડો. પાલા, અધિક ડીન ડો. દિનેશ પરમાર, તેમજ વિપુલભાઈ કાવાણી, અનકભાઈ ભોજક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા વસ્તી વધારો, માતૃત્વની યોગ્ય વય અને જાગૃત સમાજના નિર્માણ વિષયક વાતો કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે GMERS હોસ્પિટલના પ્રસૂતિ વિભાગને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આપેલી ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, આરોગ્ય શાખા હેઠળ કાર્યરત ८૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓને પણ એવોર્ડ આપી સિદ્ધિકાર્ય માટે કદર અપાઈ.
આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ADHO ડો. ઝાલા, RCHO ડો. સુતરીયા અને આરોગ્ય શાખાની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ