વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય ડો. મહાદેવ પ્રસાદ મહેતાનો જુનાગઢમાં ભવ્ય સન્માન.

વિશ્વવિખ્યાત ભાગવતાચાર્ય ડો. મહાદેવ પ્રસાદ મહેતાને તાજેતરમાં ભારત સરકારના વ્યાસ એવોર્ડથી નવાજવામાં આવ્યા બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. આ અવસરને વધુ યાદગાર બનાવવા માટે જુનાગઢની અનેક સંસ્થાઓએ ડો. મહેતાનું ભવ્ય સન્માન કર્યું.

સ્વતંત્રતા દિવસની ઉજવણીના અનુસંધાને પરશુરામ ફાઉન્ડેશન દ્વારા લોઢીયા વાડી ખાતે “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહીદોને શ્રદ્ધાંજલિ સાથે સાથે સંસ્કૃતિ અને સાહિત્યના સાધકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટની આગેવાનીમાં ડો. મહાદેવ પ્રસાદ મહેતાને પરંપરાગત રીતે સાલ ઓઢાડી અને માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા, ટ્રસ્ટી અલ્પેશ પરમાર તેમજ શિક્ષણવિદ્ સુશીલાબેન શાહએ મંચ પર ઉપસ્થિત રહી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ ડો. મહેતાના ભાગવતના ક્ષેત્રે કરેલા યોગદાનની વિશાળતા અંગે ભાવભરી વાણી દ્વારા પ્રકાશ પાડ્યો. ડો. મહેતા વર્ષોથી વૈદિક સાહિત્ય, પુરાણકથાઓ અને ભાગવતના ઉપદેશોને સરળ ભાષામાં વિશ્વભરના શ્રોતાઓ સુધી પહોંચાડતા આવ્યા છે. તેમની સેવાઓને કારણે જ તેમને તાજેતરમાં પ્રતિષ્ઠિત વ્યાસ એવોર્ડ મળ્યો હોવાનો ગૌરવ સૌએ વ્યક્ત કર્યો.

આ સન્માન પ્રસંગે ડો. મહેતાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે –
“આ એવોર્ડ મારો નથી, પરંતુ સમસ્ત શ્રોતાઓ, ભક્તો અને સમાજના સાથીઓનું છે. સંસ્કૃતિના સંવર્ધન માટે આપણે સૌએ મળીને યજ્ઞ કરવો છે.”

આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રોતાઓ, સામાજિક આગેવાનો તથા શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ગીતો અને વંદેમાતરમના ઉલ્લાસભેર નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ