વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે જૂનાગઢમાં નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો!

જૂનાગઢ, તા. ૧૦:
સત્યમ સેવા યુવક મંડળ તથા પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંધ કન્યા છાત્રાલયના હોલ ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકોએ અને લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ નિદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ, જૂનાગઢના હોમિયોપેથી મેડિકલ ઓફિસર ડો. શૈલેષ પંડ્યા તથા નિખિલભાઈ ભટ્ટ દ્વારા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જ્ઞાનને સમર્પિત રીતે સેવા આપવામાં આવી. કાર્યક્રમનો આરંભ દીપપ્રાગટ્ય સાથે થયો હતો, જેમાં પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજા, મુકેશગીરી એસ. મેઘનાથી, અરવિંદભાઈ મારડિયા, તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અંધ કન્યા છાત્રાલયની દીકરીઓએ પણ હોમિયોપેથી વિશે માર્ગદર્શન મેળવ્યું અને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિતરણ કરવામાં આવી. મહિલા આશ્રય સ્થાનની વૃદ્ધ બહેનો, તેમજ સામાન્ય નાગરિકોએ પણ કેમ્પનો લાભ લીધો.

કેમ્પના સફળ આયોજન માટે મનોજભાઈ સાવલિયા, નિખિલભાઈ ભટ્ટ, કલ્પનાબેન રાવળ, ચંપકભાઈ જેઠવા, બાબુભાઇ લાઠીયા, રાજેન્દ્ર ચુડાસમા સહિત અંધ બહેનોએ સેવાભાવપૂર્વક યોગદાન આપ્યું.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ