વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત, કેશોદમાં આમ આદમી પાર્ટી કાર્યકરોની આતશબાજી સાથે ઉજવણી

જૂનાગઢ: વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ઐતિહાસિક વિજય મેળવી છે. આ જીતની ખુશી કેશોદ શહેરમાં આપના કાર્યકરો દ્વારા ધામધૂમથી અને આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી.

કેશોદ ચાર ચોક ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવવામાં આવ્યા હતાં અને ભગવાન શ્રી રામની વિશાળ પ્રતિમાને પણ હારતોરા કરી વિજયની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા અને મીઠાઈ વહેંચી સમગ્ર શહેરમાં આનંદનો માહોલ સર્જાયો હતો.

આ તકે કેશોદ શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેશભાઈ મકવાણાએ જણાવ્યું કે, “વિસાવદરની જનતાએ સમગ્ર ગુજરાત માટે નવો સંદેશ આપ્યો છે. દરેક સમાજના લોકોએ ગોપાલ ઇટાલિયાને ભવ્ય સહકાર અને પ્રેમ આપ્યો છે.”

કાર્યકરો અને સમર્થકો દ્વારા “જય ગોપાલ”, “આમ આદમી પાર્ટી ઝિંદાબાદ”ના નારા સાથે સમગ્ર વિસ્તાર ગૂંજાવી દીધો હતો.

અહેવાલ: રાવલિયા મધુ, જૂનાગઢ