વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન અને ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કિરીટ પટેલે ભરી ઉમેદવારી

વિસાવદર :
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ આજે શહેર રાજકીય દૃષ્ટિએ ઉર્જાવાન બન્યું હતું, જ્યાં ભાજપ તરફથી વિજય સંકલ્પ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા.

વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં યોજાયેલ આ વિશાળ સંમેલન સ્થળે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતાં ગુજરાતના વિકાસ મોડલ, વિસાવદરના હિતમાં લેવાયેલા નિર્ણયો અને આગામી દિવસોમાં વિસ્તાર માટેના દૃષ્ટિકોણ અંગે વાત કરી હતી.

સંમેલન બાદ કિરીટ પટેલના નેતૃત્વમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે હાજર રહ્યા હતા અને રસ્તાના બંને બાજુ ઊભેલા સમર્થકોને અભિવાદન પાઠવતા નજરે પડ્યા હતા. રસ્તાઓ પર ભાજપના ઝંડા અને નારાં ગુંજી ઉઠ્યા હતા.

આ રોડ શો બાદ વિજય મુહૂર્તમાં ઉમેદવાર કિરીટ પટેલે વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર સત્તાવાર રીતે રજૂ કર્યું હતું. ઉમેદવારીના કાર્યક્રમમાં ભાજપના અનેક પ્રમુખ નેતાઓ હાજર રહ્યા હતા જેમાં રાજ્યના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, અરવિંદ લાડાણી, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, ભૂપેન્દ્ર ભાયાણી, હર્ષદ રીબડીયા, કનુભાઈ ભાલાળા, ચૂંટણી ઈન્ચાર્જ કમલેશભાઈ મીરાણી અને જયેશભાઈ રાદડિયા સહિતના અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે.

વિસાવદર બેઠક પર ભાજપ વધુ એક વખત પોતાનું પરચમ લહેરાવવાની તૈયારીમાં છે તેવો સંદેશો આજના ભવ્ય કાર્યક્રમ દ્વારા પાઠવવામાં આવ્યો છે.

અહેવાલ: આસીફ કાદરી, વિસાવદર