વિસાવદર તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિની મળેલી રજૂઆતોના આધારે જુનાગઢ જિલ્લા પુરવઠા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાપુરવઠા અધિકારી કિશન ગરસરે માહિતી આપી હતી કે વિસાવદરના માંગનાથ પીપળી, કાકચીયાળા અને મોટી પિંડાખાઈ ગામની રેશન દુકાનમાં પરીક્ષણ દરમિયાન જરૂરી જથ્થો કરતાં ઓછો અનાજનો સ્ટોક જોવા મળ્યો હતો. પરિણામે તત્કાલ ત્રણ દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા સસ્તા અનાજના વિતરણમાં પારદર્શકતા જાળવી રહે તે માટે નિયમિત તપાસો હાથ ધરવામાં આવે છે. ગ્રાહકના આધાર આધારિત વેરિફિકેશન બાદ, ખરીદી અંગેની માહિતી ગ્રાહકના મોબાઈલ પર મોકલવામાં આવે છે. ગરસરે જણાવ્યું કે જો ગ્રાહકોને કોઇપણ પ્રકારની ફરિયાદ હોય તો તેઓ સીધા જ ટોલ ફ્રી નંબર ૧૯૭૬ પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી શકે છે.
ખાતર વિતરણના માળખાની જેમ જ અનાજ વિતરણ વ્યવસ્થામાં પણ પારદર્શકતા લાવવા માટે ગોડાઉનથી દુકાન સુધીના પરિવહન પર સીસીટીવી કવરેજ અને જીપીએસ ટ્રેકિંગ અમલમાં મૂકવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશન માટે વાપરાતા વાહનો માટે ગેટપાસ જારી થાય છે, જેથી અનાજનો જથ્થો યોગ્ય દુકાન સુધી પહોંચી રહ્યો છે કે નહીં, તેનું નિરીક્ષણ શક્ય બને.
ગત દિવસોમાં વિસાવદર તાલુકામાં સસ્તા અનાજ વિતરણ અંગે માધ્યમો અને સ્થાનિક નાગરિકો તરફથી અનેક રજૂઆતો થઇ હતી. આને પગલે તંત્રએ છ અલગ-અલગ તપાસ ટીમો ગઠિત કરી છે અને 300થી વધુ લાભાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યો કે, જો તપાસમાં વધુ ગેરરીતિ મળશે તો આવશ્યક ચીજ વસ્તુ ધારાના નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર તપાસમાં પ્રાંત અધિકારી સી.પી. હિરવાણીયા, પુરવઠા ઇન્સ્પેક્ટર તથા અન્ય જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પણ સક્રિય રીતે જોડાયેલા છે. લોકો સુધી ખાદ્યસામગ્રી યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે પહોંચે એ માટે તંત્ર સજ્જ છે અને કોઇપણ પ્રકારની ગેરવહીવાલી સહન નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટતા અધિકારીઓએ કરી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ