જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં ગૌચર જમીનના સર્વે નંબરો પર થયેલા દબાણોને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશિષ્ટ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક તંત્રની સતત કામગીરી હેઠળ જૂનાગઢ જિલ્લાના અધિકારીઓએ ત્રણ વખત— તા.૯ ઓગસ્ટ ૨૦૨૩, તા.૨૫ જૂન ૨૦૨૪ અને તા.૨૮ જુલાઈ ૨૦૨૫ના રોજ— આ કામગીરીને આગળ ધપાવી છે. જેમાં કુલ ૧૨ સર્વે નંબરોમાં આવેલ હે.૪૪૬-૯૦-૬૬ આરે.ચો.મી. જમીનમાંથી હે.૩૦૯-૭૭-૨૬ જમીનની સફળતાપૂર્વક માપણી કરવામાં આવી છે અને તેમાં હે.૧૬૪-૬૦-૯૪ જેટલા વિસ્તારમાંથી આશરે ૬૦ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણો હટાવતાં પથ્થરનાં માળા, વાડ, ઝાંપાં અને તાર ફેન્સિંગ જેવી અસામાન્ય પ્રવૃત્તિઓ દૂર કરાઈ છે. કેટલાક દબાણો ચોમાસા દરમિયાન કરવામાં આવતા સીઝનલ હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને આંબાના વૃક્ષો પંચાયત હસ્તક લેવામાં આવ્યા છે.
રેવન્યૂ સર્વે નંબર ૨૫૭ની અંદાજિત ૧૩૬ હેક્ટર બાકી રહેલી જમીનની પણ હાલ હદનિશાન અને માપણી કામગીરી ચાલુ છે. આવનારા સમયમાં જો કોઈ દબાણો મળશે તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે તેમ તંત્રએ જણાવ્યું છે. હાલમાં ખોલવામાં આવેલ હે.૨૯૪-૧૬-૪૭ જેટલી ગૌચર જમીન કાલસારીના આશરે ૧૬૦૦ પશુઓના ચરાણ માટે પૂરતી છે. ગ્રામજનો માટે આશાસ્પદ વાત એ છે કે હાલના સમયમાં આ પશુઓ મુક્તપણે ગૌચર જમીનમાં ચરતાં જોવા મળે છે.
જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા ગામના લોકોએ સહયોગ આપવો જોઈએ અને વધુથી વધુ પ્રમાણમાં સરકારના આવા પ્રયાસોમાં જોડાવાનું અપીલ પણ તંત્રએ જાહેર કરી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ